ગુજરાત માં ઝડપથી પ્રસરી રહેલા કોરોના એ ફરી એકવાર લોકોની આસ્થા પર અસર કરવાનું શરૂ કરી દીધું છે. વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે ફરી એકવાર રાજ્યના મોટા મંદિરોના દ્વાર બંધ થવા લાગ્યા છે. ચૈત્ર નવરાત્રિ મંગળવારે એટલે કે આજથી શરૂ થવાની છે, પરંતુ તેમછતાં લોકો માતાજીના મંદિરોમાં રૂબરૂ દર્શન કરી શકશે નહી, કારણ કે મોટાભાગના મંદિરો બંધ રહેશે.
કેટલાક મંદિરો 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યા છે, તો કેટલાક મંદિરોના ટ્રસ્ટોએ આગામી નિર્દેશ જાહેર ન થાય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દ્વારકા મંદિર, વીરપુર જલારામ મંદિર, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજથી શક્તિપીઠ અંબાજી મંદિરને દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને પ્રથમ જ્યોતિર્લીંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આવતીકાલ 11 એપ્રિલને રવિવારથી આગલા નિર્ણય સુધી જાહેરત જનતા માટે બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટમાં આ નિર્ણય અંગે કહેવામાં આવ્યું છે – “11-04-2021થી સોમનાથ મંદિર ભાવિક ભક્તોના દર્શન માટે આગલા નિર્ણય સુધી બંધ રહેશે. ભાવિક ભક્તો વેબસાઈટ દ્વારા ઓનલાઈન પૂજાનું બુકિંગ કરાવી શકે છે.” આ સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
સોમનાથ મંદિર સાથે ભીડભંજન મંદિર, ભાલકાતીર્થ સહીતના તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા છે. રાજ્ય સહીત દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. સોમનાથ મંદિરમાં રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને પ્રવાસનું આયોજન કરે છે. સોમનાથ મંદિરે સોમવારે અને રવિવારે તેમજ રજાના દિવસે લોકોની ભીડ જોવા મળતી હોય છે. આથી કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અધધ કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4500 થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના પણ ચોંકાવનારા આંકડા આજે સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 4541 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 42 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4697 એ પહોંચ્યો છે.
