હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે ચૈત્ર મહિનાના શુકલ પક્ષની પ્રતિપદા તિથિથી જ હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. અને આ દિવસથી ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ આજે એટલે કે 13મી એપ્રિલથી શરૂ થઈ રહ્યા છે. આ વર્ષે નવરાત્રિ પૂરેપૂરા નવ દિવસની છે અને આ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરાય છે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત મંગળવારથી થઈ રહી છે એટલે દેવી માતા ઘોડે સવાર થઈને આવી રહ્યા છે.
હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રીને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રિ નવરાત્રીમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રીને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રીમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.
ચૌત્ર નવરાત્રિના પહેલા દિવસે દેવી માતાની પૂજા અર્ચના સાથે જ કળશ સ્થાપના પણ કરાય છે. 13 એપ્રિલ મંગળવારે શરૂ થઈ રહેલા નવ સંવત્સરના દિવસે સવારે 2.32 વાગે ગ્રહોના રાજા સૂર્યનું મેષ રાશિમાં ગોચર થશે અને સંવત્સર પ્રતિપદા અને વિષુવત સંક્રાંતિ એક જ દિવસે 13 એપ્રિલના રોજ છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યાં મુજબ આ સ્થિતિ લગભગ 90 વર્ષ બાદ બની છે. આ સાથે જ ચૈત્ર નવરાત્રિની શરૂઆત અશ્વિની નક્ષત્રમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગથી થઈ રહી છે.
પુરાણોનું માનીએ તો કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં શિવ અને મૂળમાં સૃષ્ટિના રચયિતા બ્રહ્માનું સ્થાન ગણવામાં આવ્યું છે. આ બાજુ કળશના મધ્ય સ્થાનમાં માતૃ શક્તિઓનું સ્થાન ગણવામાં આવ્યું છે. એક રીતે કળશ સ્થાપના કરતી વખતે ખાસ કરીને દેવી દેવતાઓનું એક જ જગ્યાએ આહ્વાન કરાય છે. આ જ કારણ છે કે નવરાત્રિમાં દેવી માતાની પૂજા કરતા પહેલા કળશની સ્થાપના કરાય છે અને ઘટ પૂજન થાય છે.
પૌરાણિક માન્યતા
બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના પાવન દિને બ્રહ્માજીએ સૃષ્ટિ રચનાનો પ્રારંભ કર્યો હતો. એક પૌરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન રામનું રાજ્યારોહણ થયું હતું અને આ જ દિને યુધિરિનું રાજ્યારોહણ કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ એકમ ગુડી પડવા તરીકે ઉજવાય છે. આ પર્વ ખાસ કરીને મહારાષ્ટ્રમાં વિશિષ્ટપણે ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરે-ઘરે બારણામાં કે ઘરની બહાર ગૂડી (ધજાની લાકડી) રોપીને ઉભી કરાય છે, તેને સાડી પહેરાવાય છે અને ફૂલોના હાર-સાકરના હારથી શણગારાય છ, ઉપરના ભાગમાં ઉંધો કળશ કે ચાંદીનો લોટો સ્થાપવામાં આવે છે. આ પછી ગૂડીની ષોડશોપચારથી પૂજન કરવામાં આવે છે.
