ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વાયરસની ઝપેટમાં વધુ એક કેબિનેટ મંત્રી ઝપેટમાં આવ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠલ છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો કોરોના રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે .રૂપાણી સરકારના મંત્રી મંડળના છઠ્ઠા મંત્રી બન્યા કોરોનાગ્રસ્ત.
ગુજરાતના અનેક ધારાસભ્યો, સાંસદ અને દિગ્ગજ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપીને આસપાસના લોકોને ટેસ્ટ કરાવી લેવા સૂચના આપી છે. તો બીજી તરફ, કોરોનાના કારણે ભાજપ યુવા મોરચાના નવા પ્રમુખના કાર્યક્રમો રદ કરાયા છે. પોતાના વતનમાં સ્વાગતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારે ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા બાદ પ્રશાંત કોરાટના સ્વાગત કાર્યક્રમો અને રેલીનું આયોજન હતું. પ્રદેશ ભાજપે જાહેર કર્યા પ્રમાણે તમામ સ્વાગત કાર્યક્રમો રદ કર્યા છે.
કોરોનાના વધતા જતા કેસોને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો વિરોધ કરવાની શરૂઆત થઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ખોરજ ગામના ગ્રામજનોએ ચૂંટણીનો વિરોધ કર્યો છે. ખોરજ ગામમાં 200થી વધારે કોરોના પોઝિટિવ કેસ આવતા ચૂંટણીનો વિરોધ કરાયો છે. ગ્રામજનોની માંગણી પ્રમાણે જો ચૂંટણી કરવી હોય તો ઉમેદવાર એકલો પ્રચારમાં ડોર-ટુ-ડોર નીકળે તેવી તેમની રજૂઆત છે. સાથે જ ગ્રામજનોનું કહેવુ છે કે, રાજકીય પક્ષોની રેલીઓ ન થવી જોઈએ. એક તરફ હોસ્પિટલોમાં બેડ નથી ત્યારે ચૂંટણી યોજીને લોકોના જીવ પર જોખમ ઊભું ન કરવું જોઈએ.
ગુજરાતમાં કોરોના દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં નવાં ૩૫૭૫ કેસ અને ૨૨ મોત નોંધાયા છે. ૧૧ ઓગસ્ટ પછી પહેલીવાર ગુજરાતમાં ૨૨ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭ કેસ નોંધાયા છે. મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત છે, જેમાં પાટણમાં આજે ૧૧ કેસ નોંધાયા છે. ૩૫૭૫ નવાં કેસો સામે આજે ૨૨૧૭ દર્દીઓને જ ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે.
