વિપક્ષ કોંગ્રેસે વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ફરી એકવખત કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. છેલ્લા 15 દિવસથી વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને પ્રજા ત્રસ્ત છે. ચૂંટણી પ્રચાર વખતે પણ કોંગ્રેસે આ મુદ્દો ઊઠાવીને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. શનિવારે કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર પર સામાન્ય માણસની સમસ્યાઓને અવગણવાનો આરોપ મૂક્યો છે.
કોંગ્રેસ કહ્યું કે, સરકાર પોતાનો અહંકાર છોડીને પેટ્રોલ-ડીઝલ તથા રાંધણ ગેસ પર લાગુ કરેલા ટેક્સને ઓછો કરે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, સરકાર પેટ્રોલ-ડીઝલ પર ક્રમશઃ રૂ.23.78 અને રૂ.28.37 પ્રતિ લિટર લેખે ટેક્સ લગાવે છે. જેને તાત્કાલિક ધોરણે દૂર કરવો જોઈએ. આનાથી ઈંધણની કિંમત ઓછી કરવામાં મોટી મદદ મળી રહેશે. આ સાથે તેમણે પેટ્રોલિયમ ઉત્પાદન પર લાગતા ટેક્સ પણ ઘટાડવા માટેની અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે હતા તે સમયના નિવેદનનો ઉલ્લેખ કરીને વાત કરી. તેમણે કહ્યું કે, મહામારી બાદ અર્થવ્યવસ્થામાં થયેલા કડાકા વચ્ચે સામાન્ય માણસ આર્થિક રીતે પરેશાન છે. બેરોજગાર બન્યો છે. વડાપ્રધાન કોંગ્રેસની માગને બેધ્યાન કરી શકે છે. પણ તેમણે અગાઉ આપેલા નિવેદનોને ખાસ યાદ કરવા જોઈએ. જે તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે હતા ત્યારે આપેલા હતા. રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની સલાહ ઉપર પણ ધ્યાન દેવું જોઈએ. તેઓ પણ પેટ્રીલ-ડીઝલ મુદ્દે પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. ફ્યૂલના વધી રહેલા ભાવને લઈને એક સાર્વત્રિક માઠી અસર ઊભી થઈ છે. યુપીએ શાસનકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનોનો ઉલ્લેખ કરી સિંધવી કહ્યું કે, કોંગ્રેસ અને દેશ આપની પાસેથી એ આગ્રહ રાખે છે કે, યુપીએના શાસનકાળ દરમિયાન પેટ્રોલ-ડીઝલની કિંમતને ઘટાડવા માટે તમે તમારો અવાજ એક વખત સાંભળો.
તેમણે પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ દૂર કરવાને લઈને મુશ્કેલી પડી રહી હોવાના મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારામણના નિવેદન પર પ્રતિક્રિયા આપી. એવું તે કયુ ધર્મ સંકટ આવી પડ્યું છે કે, નાણામંત્રી પણ ટેક્સ ઓછો કરી શકતા નથી? શું વડાપ્રધાન એમને આવું કરવાથી અટકાવી રહ્યા છે? કોંગ્રેસ નેતાએ ઉમેર્યું કે, આ એક શરમજનક કહેવાય. મે 2014થી ક્રુડ ઓઈલ 39.2 ટકા સસ્તુ થયું છે. જ્યારે મોદી સરકારમાં પેટ્રોલ-ડીઝલમાં રૂ.27.5 અને 42.2થી નોંધપાત્ર ભાવ વધારો થયો છે. આ તો વિપરીત સ્થિતિ છે. જ્યાં વૈશ્વિક માર્કેટમાં ભાવ ઘટી રહ્યા છે પણ ઘર આંગણે જ કિંમતમાં મોટો વધારો થયો છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો છે કે, આ સરકારે છેલ્લા 20 દિવસમાં 14 વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. મોદી સરકાર લોકો માટે એક મોંઘી સરકાર સાબિત થઈ રહી છે. જેણે લોકો પર એકાએક ટેક્સ વધારી દીધો છે. આ અભિમાની સરકાર લોકોની સમસ્યાઓ ઉકેલવા અને રાહત આપવા માટે કોઈ રીતે તૈયાર નથી. સરકાર માત્ર ફાટા પાડો, છેત્તરપિંડી કરો અને બેધ્યાન કરો પછી ભૂલી જાવ એવા પ્રયત્નો કરી રહી છે.