સુપ્રીમ કોર્ટે દેશભરમાં કોરોનાના વધતા જતા કેસો અને કોરોના સામે રક્ષણ આપતી દવાઓ-ઈન્જેકશન તેમજ ઓક્સિજનની સાથો સાથ કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે શુ યોજના છે તેવો સવાલ કેન્દ્ર સરકારને કર્યો છે. સુપ્રીમ કોર્ટે સુઓમોટો કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ પુછ્યુ છે કે કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે તમારી યોજના અને આયોજન શું છે ?
કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ચાર મુદ્દા પર જવાબ માંગ્યો છે. કેન્દ્રને કહ્યું છે કે સરકાર પાસે ઓક્સિજન સપ્લાય, આવશ્યક દવા અને ઈન્જેકશનના પુરવઠા, રસીકરણ અને લોકડાઉન કરવાની પ્રક્રિયા ફક્ત રાજ્ય સરકારને જ હોવી જોઈએ કે કોર્ટને પણ…આ ચાર મુદ્દે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ, સુઓમોટી રીટની સુનાવણી દરમિયાન કહ્યું કે, હાલ કોરોનાને લગતી છ રાજ્યોની હાઈકોર્ટમાં અદાલતી કાર્યવાહી ચાલી રહી છે. જેમાં દિલ્હી, બોમ્બે, સિક્કિમ, કલકત્તા અને અલ્હાબાદ હાઇકોર્ટનો સમાવેશ થાય છે. મુખ્ય ન્યાયાધીશે એવી પણ ટકોર કરી કે, આટલી બધી હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે તે અંગે મૂંઝવણ પેદા થઈ રહી છે.
આ બાજુ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને પૂછ્યું કે શું તે હાઈકોર્ટમાં કાર્યવાહી પર રોક લગાવશે. જેના પર કોર્ટે કહ્યું કે સરકાર પોતાની યોજનાઓ હાઈકોર્ટમાં રજુ કરી શકે છે જો તમારી પાસે ઓક્સિજન માટે એક નેશનલ પ્લાન છે તો નિશ્ચિત રીતે હાઈકોર્ટ તેને જોશે.
