ગુજરાતમાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારે રેકોર્ડબ્રેક 8152 નવા દર્દીઓ નોંધાયા. જ્યારે 81 લોકોના મૃત્યુ થયા. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે તબીબો મેડિકલ સ્ટાફનું મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો. તેમણે કોરોના વોરિયર્સની કામગીરીની પ્રશંસા કરી. આ સાથે એમ પણ કહ્યું કે કોરોના હારશે ગુજરાત જીતશે.
રાજ્યમાં કોરોનાની સ્થિતી વણસતી જાય છે, ત્યારે તેને લઈને આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને આરોગ્યકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.વિષમ પરિસ્થિતીમાં પણ ડોક્ટર્સ અને નર્સોએ કામ કર્યા છે. તમે અમારા માટે સુપર હિરો છો, 3 લાખથી વધારે દર્દીઓને કોરોનાથી બચાવીને ઘરે પાછા મોકલ્યા છે.
સીએમ રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ હતી પરંતુ હવે ફરી એકવાર પરિસ્થિતિ કથળી છે. સીએમ રૂપાણીએ આરોગ્યકર્મીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, રાજ્ય સદા તેમનું ઋણી રહેશે. મહામારીમાં સૌથી વધુ યોગદાન તબીબોનું રહ્યું.
તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષસથી આપણો દેશ આપણું ગુજરાત કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. આ મહામારી સામે લડાઈ સરકાર લડી રહી છે, રાજ્ય અને દેશનો એક એક સામાન્ય માણસ પણ આ લડાઈ લડી રહ્યો છે. પણ મહામારી સામેની આ માનવતાની લડાઈમાં જો કોઈનું સૌથી મોટું યોગદાન રહ્યું હોય તો ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરામેડિકલ ભાઈઓ બહેનોનું રહ્યું છે. આજે ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી તમામ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફને ખુબ ખુબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કોટિ કોટિ વંદન કરવાની પણ ઈચ્છા થાય છે. તમારા વતી ગુજરાત આ લડાઈ લડી શક્યું છે. આજે પણ લડી રહ્યું છે. આપના થકી આપણે લાખો લોકોના જીવ બચાવી શક્યા છીએ.
