બનાવટી આધારકાર્ડ તેમજ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતી ટોળકી ઝડપીપાડી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે શખ્સોની ધરપકડ કરી
બન્ને શખ્સોએ અત્યાર સુધીમાં 39 જેટલા બનાવટી ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવ્યા
શહેરમાં બનાવટી આધારકાર્ડ તેમજ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતી ટોળકીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે શખ્સોની ધરપકડ કરીને બનાવટી લાઇસન્સ અને આધારકાર્ડ બનાવતી ટોળકીનું રેકેટ ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે અફસરુલ શેખ અને મારુફમુલ્લા નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી 19 ડ્રાઈવિંગ લાઈસન્સ, 5 આધારકાર્ડ, 3 પાન કાર્ડ, 85 વ્યક્તિઓના પાસપોર્ટ ફોટા, બનાવટી લાઇસન્સ બનાવવા માટે વપરાતા ચીપવાળા કાર્ડ અને ચીપ વગરના 20 કાર્ડ જપ્ત કર્યા છે.
પોલીસ તપાસમાં આ બન્ને શખ્સોએ અત્યાર સુધીમાં 39 જેટલા બનાવટી ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસે હાલ આ બંને આરોપીઓ સામે ગુનો નોંધીને અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.