ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. જેમાં આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2815 કેસ નોંધાયા છે. તેમજ ૨૦૬૩ લોકો સાજા થયા છે. તેમજ 13 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયાં છે. જેમાં આજે મૃત્યુ પામેલામાં સુરતના 5, અમદાવાદના 4, ભાવનગરના 1, રાજકોટ 1, તાપી 1 અને વડોદરાના 1 દર્દીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા ૧૪૨૯૮ પર પહોંચી છે. જેમાં 161 લોકો વેન્ટીલેટર પર છે અને 14137 લોકો સ્ટેબલ છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 296713 લોકો સાજા થયા છે. તેમજ કુલ 4552 લોકોના મૃત્યુ થયાં છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરતમાંથી સૌથી વધુ 687 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૫૨૬ અને ગ્રામ્યમાંથી 161કેસનો સમાવેશ થાય છે. સુરતમાં કુલ કેસનો આંક હવે 67,136 જ્યારે એક્ટિવ કેસ 3,822 છે. અમદાવાદ શહેરમાંથી 646 ગ્રામ્યમાંથી 13 સાથે 659 નવા કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કુલ કેસ 74,534 છે જ્યારે 2,216 એક્ટિવ કેસ છે. વડોદરા શહેરમાં 303 -ગ્રામ્યમાં 81 સાથે 384 અને રાજકોટ શહેરમાં 236 ગ્રામ્યમાં 41 સાથે 277 નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસનો આંક વડોદરામાં 35,553 અને રાજકોટમાં 27,406 છે.
આ ઉપરાંત રાજ્યના કોરોનાના કેસ વધતાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ કાર્યને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. કોર કમિટીના નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઇને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
