ગુજકેટની પરીક્ષાઓ લેવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાનો સમય 10 થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસક્રમ માટે ગુજકેટ ફરજીયાત છે.
હવે રાજ્યમાં વર્ષ 2021 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી/ ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહ ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા તા. 06-08-2021ને શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજકેટ દ્વારા 23 જૂનના રોજ તેમની સત્તાવાર વેબસાઇટ પર અરજીની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે આજે ગુજસેટની પરીક્ષા જાહેર કરવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષામાં અહીં આપેલા વિષયના બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે, તેની સામે દર્શાવેલા ગુણો અને સમય રહેશે.ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે, 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના અને 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના એમ કુલ 80 પ્રશ્નો, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR આન્સર સીટ પણ 80 પ્રત્યુતરની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની આન્સર સીટ પણ અલગ રહેશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિત પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મીનિટનો સમય આપવામાં આવશે. આન્સર સીટ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુતર રહેશે.
મહત્વનું છે કે,આગામી 6 ઓગસ્ટના રોજ કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજસેટની પરીક્ષા યોજવામાં આવશે.
