ગુજરાત માં કોરોનાના કેસ વધતાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ કાર્યને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. કોર કમિટીના નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઇને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.
જયારે ગુજરાત માં લૉકડાઉન અંગેનો સવાલ પૂછતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હાલ કોઈ વિચારણા નથી, જો જનતા યોગ્ય રીતે માસ્ક પહેરે, પહેરાવે, સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે તો કોરોનાને નાથી શકાશે.
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. માત્ર 24 કલાકમાં જ ઓલટાઈમ હાઈ 2815 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2063 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સુરતમાં 5, અમદાવાદમાં 4, ભાવનગર, રાજકોટ, તાપી અને વડોદરામાં 1-1 મળી કુલ 13 દર્દીના મોત થયાં છે. અગાઉ 11 ડિસેમ્બરે 13 મોત નોંધાયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક 4552એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.03 ટકા છે. સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 14 હજારને પાર થઈ ગયો છે.
