હાલ રાજ્યમાં કોરોનાનો કાળો વર્તાઈ રહ્યો છે. એક બાજૂ જનતા પાસે હાલ કમાણીના કોઈ અવસરો દેખાતા નથી, સ્થિતી લોકડાઉન જેવી છે જેથી રોજગાર અને નોકરી પર ખતરો આવ્યો છે. ત્યારે આવા સમયે વાહનચાલકો પાસે અલગ અલગ ટ્રાફિક નિયમો હેઠળ મસમોટો દંડ અને ક્યાંક વાહનો જપ્ત કરવા સંબંધિત કિસ્સાઓ પણ બનતા રહેતા હોય છે. રસ્તાઓ પર ઉભેલા ટ્રાફિક પોલીસના કાફલાઓ જનતા માટે ઘણી વાર મુશ્કેલીઓ નોતરતા હોય છે. જો કે, હવે રાજ્ય સરકાર તરફથી વાહનચાલકોને હાલ પુરતી મોટી રાહત આપતો નિર્ણય લેવાયો છે.
ટ્રાફિક નિયમ ભંગ કરનારના વાહન પણ ડિટેઈન નહીં કરાય મુખ્યમંત્રી રૂપાણીએ કેબિનેટની બેઠકમાં હાલ કોરોનાની સ્થિતિને જોતાં RTOમાં થતી ભીડ અટકાવવા આ નિર્ણય કર્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ બદલ વાહનો ડિટેઈન કરાય છે, તેને છોડાવવા રાજ્યભરની RTO કચેરીમાં ભારે ભીડ થાય છે. આને કારણે પણ કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે. અત્યારે કોઈ પણ સ્થળે ભીડ ભેગી ન થાય તે રાજ્ય સરકારની અગ્રિમતા છે આ બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે.
