કોર્પોરેશનની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ મોટા અને સિનિયર નેતાઓ પ્રચાર મેદાને ઊતરી પક્ષની સિદ્ધિઓ ગણાવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાયેલી જાહેર સભામાં ભાજપ તરફથી પ્રચારક પુરૂષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર ચાબખા માર્યા છે. રૂપાલાએ કહ્યું કે, જે સાબરમતીમાં જ્યાં એક સમયે ગધેડા ચરતાં હતા, સરકસના તંબુઓ બંધાતા હતા. એ સાબરમતીમાં બે કાંઠી પાણી વહે છે અને એમાં આજે સી-પ્લેન ઊતરે છે.
આ જાહેર સભામાં તેમણે ઉમેર્યું કે, અમદાવાદ હવે ફાટકવગનું શહેર બનવા જઈ રહ્યું છે. કોંગ્રેસ શાસનમાં માત્ર આશ્રમ રોડ થઈ ગાંધીનગર જઈ શકાતું, આજે સી.જી.રોડ, એસ.જી. હાઈવે અમદાવાદની મધ્યમાં છે. વિકાસ રીંગરોડ પર જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરનારા જવાનોની વીરતાના પુરાવા માગનારાને હવે જવાબ આપવાનો સમય આવ્યો છે. બીજી તરફ ટિકિટ કપાયેલા નેતાઓને મનાવી લેવા માટે કોંગ્રેસ પ્રયત્નો કરી રહી છે. ટિકિટ કપાસા રીસાયેલા ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં સાથ આપવાનું બંધ કરી દીધું છે. જેથી કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે. પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષ નેતા, સિનિયર નેતાગણે રીસાયેલા દાવેદારોને મનાવવાનું ચાલું કર્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રદેશ કાર્યાલય તથા બહાર અન્ય સ્થળે એક પછી એક નેતાઓને બોલાવવાનું ચાલું કર્યું છે. નગરપાલિક, મહાનગર પાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં મેન્ડેટ ન પહોંચવાને કારણે ભાજપને 26 બેઠક મળી ગઈ. જોકે, દેશમાં વધી રહેલા રાંધણ ગેસ અને પેટ્રોલ-ડીઝલના ભાવનો મુદ્દો લઈને કોંગ્રેસ પ્રજાને અપીલ કરી રહી છે.
રાજકોટ બાદ અમદાવાદમાં પણ વિરાટનગરમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રાંધણગેસના બાટલા પર બેસીને સભા સંબોધી હતી. વધી રહેલી મોંઘવારીને લઈને તેમણે સરકાર પર ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકાર કોર્પોરેશનની સત્તા પર આવશે તો અમદાવાદમાં લોકોને ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મળશે. ખાનગી શાળાને ટક્કર મારે એવી સરકારી શાળા શરૂ થશે. સમગ્ર શહેરમાં ફ્રી વાયફાઈ સુવિધા આપવામાં આવશે.