દર્શનાર્થીઓ માટે ડાકોર બંધ, આ 3 દિવસ સુધી રહેશે બંધ
કોરોનાનો કહેર વધી રહ્યો છે. સરકાર કોરોનનું સંક્રમણ ના વધે તે માટે અલગ અલગ પગલા લઇ રહી છે. તેવામાં ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં ચાલુ વર્ષે ફાગણી પૂનમ અને ધૂળેટીના દિવસે દર્શનાર્થીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે બંધ બારણે તમામ ધાર્મિક વિધિ અને મહોત્સવ કાર્યક્રમો યોજાશે. નડિયાદ કલેક્ટર કચેરીએ થયેલી હોળી પૂનમની બંદોબસ્ત વ્યવસ્થા માટેની મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. આ દિવસોમાં દર્શન સમયમાં ફેરફાર કરીને સામાન્ય દિવસ મુજબનો જ નકકી કરવામાં આવ્યો છે. જો કે દર્શનાર્થી ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે.
આગામી તા. 27થી 29-3-21 સુધી પ્રવેશ પર પ્રતિબંધ
જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મંદિર મેનેજમેન્ટ કમિટીની મિટિંગમાં આગામી તારીખ 27થી 29-3-21 સુધી હોળી મહોત્સવ પૂનમ દરમ્યાન દર્શનાર્થી શ્રદ્ધાળુઓ માટે મંદિર પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનનું સંક્રમણ ના વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોના હિતને ઘ્યાન રાખી લોકોના હિત માટે કલેક્ટર કચેરી દ્વારા નિર્ણય લેવાયો છે. મંદિર મેનેજમેન્ટ અને સેવક આગેવાનો દ્વારા દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રણછોડરાય મંદિર દ્વારા આ હોળી મહોત્સવની તમામ સેવા-પૂજા અને ધાર્મિક પરંપરા અને ધાર્મિક વિધિ પારંપરિક નિયમ મુજબ બંધ બારણે કરવામાં આવશે. આ ત્રણ દિવસ દરમ્યાન ભક્તો શ્રધ્ધાળુઓનો મંદિર પ્રવેશ બંધ રખાયો છે.
