સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સિલવાસા હાઈટ્સમાં દીવાલ ધરાશાયી થતાં સાત જેટલા મજૂરો દટાયાં હતા. જે પૈકી ચાર મજૂરોના મોત નિપજ્યાં છે. તો એક મજૂરને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હજી બે જેટલાં મજૂરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટના શહેરના અબ્રામા રોડ પર બની છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે તાત્તકાલિક રેસ્ક્યૂની કામગીરી કરી હતી. જોકે, હજી પણ કેટલાક મજૂરો માટીના કાટમાળ નીચે દબાયેલા છે, જેઓેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વરાછા વિસ્તારમાં અબરામા રોડ પર સિલવાસા પેરેડાઈઝ નામની નવી ઈમારત બની રહી હતી, તેના અંડરગ્રાઉન્ડ પાર્કિંગનું કામ ચાલી રહ્યું હતું. કામગીરી દરમિયાન અચાનક ઈમારતની દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. આ વાતની જાણ થતા જ ફાયર બિગ્રેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી હતી. કુલ 4 શ્રમિકોના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સાઈટ પર કામ કરી રહેલા અન્ય મજૂરો મદદે દોડી આવ્યા હતા. જોકે, આ ઘટનાથી અન્ય મજૂરો પણ ડરી ગયા હતા. ઘટના બાદ ચાર ફાયર સ્ટેશનની 10 ગાડીઓ પહોંચી ગઈ છે અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાથી અનેક સવાલો ઊભા થાય છે. જેમ કે, આખરે કેમ વારંવાર આવી ઘટનાઓ ઘટતી રહે છે, બેદરકારો સામે ક્યારે પગલાં લેવાશે, કેટલીક વ્યક્તિઓનો જીવ ગયો તો આખરે કોની બેદરકારીથી, નિયમો તોડતા બિલ્ડરો સામે ક્યારે પગલાં લેવાશે, શા કારણોસર મજૂરોની સેફ્ટી માટે કોઈ જ સાઘનો કન્સ્ટ્રક્શન સાઈટ પર નથી હોતાં. ત્યારે વારંવાર ઘટતી આવી ઘટનાઓ ઘટવા બાદ પણ તંત્ર શું કરે છે જેવાં અનેક પ્રશ્નો મનમાં ઊભા થાય છે.
