દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું અને પરિવારનું પેટ ભરવા માટે કોઈને કોઈ કામ કરે છે, કોઈ નોકરી કરે છે તો વ્યાપાર કરીને પૈસા કમાઈ રહ્યું છે. જો કોઈ વ્યક્તિને પૂછવમાં આવે કે, તો વાર્ષિક કેટલું કમાઈ રહ્યો છે? અને કેટલી બચત કરી રહ્યો છે? તો મોટાભાગે એવો જવાબ હોય છે કે, એ તો તમે ક્યાં રહો છો તથા જીવનશૈલી કેવી છે એના પર નિર્ભર કરે છે. વાત તો સાચી છે. પણ ક્યારેક વિચાર્યું છે કે, ભીખારી પાસે કેટલી આવક હશે? એની પાસે આલિશાન ફ્લેટ હોવાનું જાણવા મળે તો? આંખ ચાર થઈ જાય એવા ભીખારીઓ આપણા દેશમાં ભીખ માગીને સુપર રીચ બન્યા છે. જોઈએ એક અહેવાલ
એક સામાન્ય માણસ કે નોકરીયાત વર્ગ કરતા ભીખારીની આવક વધારે છે. હા, આ સાચી વાત છે. જ્યારે પણ દેશના સુપર રીચ ભીખારીઓની યાદી બનાવવામાં આવે છે ત્યારે આ પાંચ વ્યક્તિઓ મેદાન મારી જાય છે. જેના પાસે આલિશાન ફ્લેટ છે. ઘણી મોટી સંપત્તિ છે. એકથી વધારે બેન્કમાં ખાતા છે. છતાં રસ્તાઓ પર ભીખ માગી રહ્યા છે. આ યાદીમાં પહેલું નામ છે ભરત જૈન. જે મોટાભાગે મુંબઈના પરેલ વિસ્તારમાં ભીખ માગે છે. એની પાસે એપાર્ટમેન્ટમાં બે ફ્લેટ છે. જેની કિંમત રૂ.70 લાખ છે. આવા તો બે ફ્લેટ છે. દર મહિને રૂ.75000 ભીખ માગીને ભેગા કરી લે છે. નોકરીયાત વર્ગનો પગાર પણ બચત પેટે આટલો ભેગો નહીં થતો હોય.
આ યાદીમાં બીજો ક્રમ આવે છે કોલકાતાની લક્ષ્મી દાસ. વૃદ્ધ અને લાચાર માણસ પર દરેકને દયા આવી જાય. પણ આ દયા-કૃપાથી લક્ષ્મી ખરા અર્થમાં લક્ષ્મીપતિ બનીને બેઠી છે. વર્ષ 1964માં માત્ર 16 વર્ષની ઉંમરમાં ભીખ માગવાનું શરૂ કરી દીધું હતું. 50થી વધારે વર્ષો તેણે ભીખ માગવામાં પસાર કર્યા. લોકો પાસેથી મળેલા પૈસાને એવી રીતે સેવ કર્યા કે, એક આખી સંપત્તિ આવી જાય. આજે એનો દરેકે દરેક રૂપિયો બેન્કમાં જમા છે. દરરોજના રૂ.1000ની ભીખ મળે છે. એટલે મહિનાના ઓછામાં ઓછા રૂ.30,000 તો ખરા જ. આ ઉપરાંત કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે રકમ વધી પણ જાય.
આ પછી નામ છે મુંબઈની ગીતાનું. મુંબઈના ચરની રોડ પર ભીખ માગે છે. ભીખમાં મળેલા પૈસાથી તેણે પોતાનો એક ફ્લેટ ખરીદ્યો છે. જેમાં તે પોતાના ભાઈઓ સાથે રહે છે. દરરોજ ભીખ માગીને રૂ.1500ની રોકડી કરી લે છે. મહિનાની રૂ.45000ની આવક છે. એક સામાન્ય વ્યક્તિ મહેનત મજૂરી કરીને આ રકમ સુધી પહોંચતો હશે એની સામે ગીતા માત્ર ભીખથી આટલી રકમ સુધી પહોંચી છે. આ ઉપરાંત ચંદ્ર આઝાદ નામનો ભીખારી મુંબઈમાં ભીખ માગવા આવે છે. જે મૂળ મુંબઈ પાસે આવેલા ગોવંડીનો રહેવાસી છે. જેના ખાતામાં રૂ.8.77 લાખની કેશ પડી છે. રૂ.1.5 લાખની અન્ય રોકડ છે. વર્ષ 2019માં થયેલી એક રેલ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા બાદ આ બધી રોકડ તથા સંપત્તિ મુંબઈ પોલીસે શોધી કાઢી હતી.
બિહારના પટણામાં રેલવે સ્ટેશન પર ભીખ માગતા વ્યક્તિ પાસે રૂ.1.25 કરોડની સંપત્તિ હોઈ શકે ખરા? પણ આ સાચી વાત છે. બિહારના પટણામાં રેલવે પ્લેટફોર્મ પર ભીખ માગનાર પપ્પુ કુમાર સૌથી ધનિક ભીખારીની યાદીમાં છે. એક અકસ્માતમાં પગમાં ફ્રેક્ચર થતા પપ્પુએ પટણા રેલવે સ્ટેશન પર ભીખ માગવાનું શરૂ કરી દીધું હતું. જેની પાસે કુલ 1.25 કરોડ રૂપિયાની સંપત્તિ છે.