ધૂળેટીની ઉજવણીને લઈને DGP એ આપ્યા ગુજરાતમાં મોટા સમાચાર
ગુજરાતમાં ફરીથી એક વાર કોરોના વકર્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી મહિને આવનારી લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે તેવી આશકા છે. હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તે વચ્ચે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ હોળીને લઈને મોટા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે, આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. હોળીની ઉજવણી કરવા માટે લોકો ભેગા નહિ થઈ શકે.
ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આજે વડોદરાની મુલાકાતે છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, કોરોનાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ રહ્યા છે. નાગરિકો રિલેક્સ થતાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તે કારણે આ વર્ષે ધૂળેટીની ઉજવણી કરી શકાય નહિ . લોકો ઉજવણી કરવા ભેગા નહિ થઈ શકે. આ અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.
બેન્ડબાજા સાથે વડોદરા પોલીસ ભવનમાં ડીજીપી આશિષ ભાટીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ ભવનમાં શી ટીમ માટે કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું તેમના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમણે શી ટીમની મહિલા પોલીસ જવાનોને બૂલેટ બાઈક પણ ફાળવી હતી. જેથી આ મહિલા જવાનો શહેરમાં પેટ્રોલિંગ કરવા માટે બાઈક પર નીકળશે.
