ધ કપિલ શર્મા શો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ શો ફરીથી ટૂંક સમયમાં શરુ થશે. મળતી માહિતી મુજબ લોકો જે કોમેડિયનને મિસ કરી રહ્યા હતા તે ફરી શોમાં જોવા મળશે.
નાના પડદાનો સૌથી મોટો શો ધ કપિલ શર્મા શો વર્ષોથી લોકોને મનોરંજન પૂરું પડી રહ્યો છે. માત્ર કપિલ શર્મા જ નહીં પરંતુ શોના દરેક પાત્ર લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે. કિકુ શારદા, કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી અને ચંદન જ્યારે પણ સ્ટેજ પર આવે છે ત્યારે હાસ્યની બોછાર આવી જાય છે. પરંતુ આ શોમાં હંમેશા એક એક્ટરને મિસ કરવામાં આવે છે. તમે સમજી જ ગયા હશો કે કોની વાત થઇ રહી છે. તો વાત છે સુનિલ ગ્રોવર વિશે.
કપિલ સાથેની બબાલ બાદ સુનિલે આ શો છોડી દીધો હતો. પણ લોકો હજી પણ તેમના પાત્ર ‘ગુથી’ અને ‘ડોક્ટર મશહુર ગુલાટી’ને ભૂલી નથી શક્યા. અનેક દર્શકો સુનિલને શોમાં પાછો જોવા માંગે છે. તો હવે ચાહકોની આ માંગ પૂરી થવા જઇ રહી છે. અહેવાલ મુજબ કપિલ સાથે સુનિલ ફરીથી સ્ટેજ પર જોવા મળશે. શોના મેકઅપ આર્ટીસ્ટે સુનિલ સાથે તાજેતરમાં ફોટો અપલોડ કર્યો હતો ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી છે કે સુનિલ શોમાં પાછો ફરી રહ્યો છે.
માહિતી અનુસાર બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સુનિલ અને કપિલ વચ્ચેની લડાઈમાં સમાધાન કરવા માટે મહેનત કરી રહ્યા છે. સલમાન અને સુનિલના સબંધ સારા છે. આ શોના નિર્માતા હોવાને કારણે સલમાન તે ઈચ્છે છે કે ફરી સુનિલ શોમાં આવે. સુનિલને પાછો લાવવા માટે પ્રોડ્યુસર પણ સખત મહેનત કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે સુનિલ શું નિર્ણય લેશે?
તમને યાદ હશે કે થોડા વર્ષો પહેલા કપિલ અને સુનિલ વચ્ચે ફ્લાઇટમાં ઝઘડો થયો હતો. ત્યારબાદ સુનિલે કપિલનો શો છોડી દીધો હતો. કપિલે બાદમાં ખૂબ માફી માંગી હતી અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુનિલ સહમત નહતો થયો. બંને ઓફ સ્ક્રીન ઘણી વાર મળ્યા. એકબીજાને કામ માટે શુભેચ્છા પણ પાઠવી તેમ છતાં ફરી એક સાથે કામ ન કર્યું હવે જો આ સમાચાર સાચા સાબિત થાય તો દર્શકો ટૂંક સમયમાં ફરી સુનિલ અને કપિલને એક સાથે જોઈ શકશે..