પંજાબ નેશનલ બેંક કૌભાંડના (PNB Scam) મુખ્ય આરોપી ફરાર હીરાના વેપારી નીરવ મોદીને (Nirav Modi) લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં લંડનની અદાલત દ્વારા નીરવના પ્રત્યાર્પણની મંજૂરી બાદ યુનાઇટેડ કિંગડમના (UK) ગૃહમંત્રીએ પણ પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ (CBI) શુક્રવારે કહ્યું, ‘ઇંગ્લેન્ડની કોર્ટે સીબીઆઈની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને કહ્યું હતું કે ગૃહ વિભાગ પ્રત્યાર્પણ અંગે નિર્ણય લેશે. આજે ગૃહ વિભાગે પ્રત્યાર્પણ ફાઇલ પણ ક્લિયર કરી દીધી છે. જોકે, નીરવ મોદી પાસે હજી હાઇકોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે.
ભાગેડુ નિરવ મોદી પર પંજાબ નેશનલ બેંકથી લગભગ 2 અરબ ડોલરની છેતરપીંડીનો આરોપ છે. યુકેના ગૃહમંત્રાલયે હિરા કારોબારી નાણાની ઉથલપાથલને લઈને ભારત માટે નિરવ મોદીના પ્રત્યાર્પણને લઈને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ભાગેડુ ઉદ્યોગપતિ નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ સાથે હવે ૧૪,૦૦૦ કરોડના PNB કૌભાંડના અન્ય ભાગેડુ આરોપી અને નિરવ મોદીના મામા મેહુલ ચોક્સી તથા કિંગફિશર એરલાઈનના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને પણ ભારત લાવવાની સરકારે તૈયારી કરી દીધી છે.
ભારત લાવવા પર નીરવ મોદીને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે. જેલ પ્રશાસને જણાવ્યું હતું કે નીરવ મોદીને બેરેક નંબર -12 ના ત્રણ કોષોમાંથી એકમાં ખૂબ ઉંચી સુરક્ષા સાથે રાખવામાં આવશે. ત્રણેય રૂમમાં સુરક્ષા અને કડક દેખરેખ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2019 માં મહારાષ્ટ્રના જેલ વિભાગે કેન્દ્રને જેલની સ્થિતિ અને નીરવ મોદીને રાખવા માટેની સુવિધાઓ વિશે માહિતી આપી હતી.
