કોર્પોરેશનની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ કાર્યકર્તાઓ અને આગેવાનોમાં એક પ્રકારનું ઝનુન જોવા મળી રહ્યું છે. રાજકીય પક્ષો પ્રચાર માટે નવા નવા પ્રયોગ કરી રહ્યા છે. જીત માટે વલખા મારી રહ્યા છે. પ્રચાર અને દાવાબાજી વચ્ચે ભાન ભૂલેલા એક કાર્યકર્તાએ એવું પગલું ભર્યું જાણે પક્ષ જ સર્વોચ્ચ સ્થાને હોય. રાજકોટ શહેરના વોર્ડ નં.1માં લાખના બંગલા પાસે ભાજપના કાર્યકરનો પક્ષપ્રેમ જાહેર થયો છે.
હવે આને પ્રેમ કહેવો કે પાગલપન? જેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપનો એક કાર્યકર્તા જીવના જોખમે પ્રચાર કરવામાં મોબાઈલનો ટાવર પર છોડતો નથી. મોબાઈલના ટાવર પર ચડીને તે પક્ષની ઝંડી ફરકાવી રહ્યો છે. 50 ફૂટ ઊંચા ટાવર પર ચડીને, જીવના જોખમે તે આ રીતે પક્ષનો પ્રચાર કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રશ્ન એ ચર્ચામાં છે કે, આવો પ્રચાર કરીને ભાજપ શું સાબિત કરવા માગે છે? આવામાં કાર્યકર્તાનો પગ લપસી પડે અને ઈજા થાય તો જવાબદાર કોણ? એના પરિવારનું શું? ચૂંટણીમાં મહેનત કરવાની જવાબદારી આગેવાનો અને કાર્યકર્તાઓની હોય છે. પણ જીવના જોખમે આ પ્રકારનો પ્રચાર કેટલો યોગ્ય? આ અંગે ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે,આ વીડિયો અમે જોયો છે અને અમે તપાસ કરી રહ્યા છીએ. આ કાર્યકર્તા કોણ છે અને આ રીતે પક્ષનો ઝંડો લગાવવા માટે કોણે આદેશ આપ્યા એ અંગે તપાસ ચાલું છે. અન્ય કાર્યકર્તાઓને પણ આ રીતે કોઈ પ્રચાર ન કરવા માટેની કડક સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નં.7માં કોંગ્રેસના ઉમેદવારોએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે સાયકલ પર પ્રવાસ કરી વિરોધ કર્યો હતો.
સાયકલ પર બેસીને પ્રચાર કરવા માટે નીકળેલા કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકર્તાઓએ પેટ્રીલ-ડીઝલના ભાવ પર અંકુશ મૂકવા માટે રજૂઆત કરી હતી. બીજી તરફ વૉર્ડ નં.3માં ભાજપના ઉમેદવારો પક્ષના ચિન્હ કમળના ફૂલ સાથે પ્રચાર કરવા માટે નીકળ્યા હતા. સૌરાષ્ટ્રમાં બંને મોટા પક્ષ તરફથી પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વખતે પ્રચાર સામગ્રીમાં પણ નવીનતા જોવા મળી રહી છે. ટી-શર્ટ અને ટોપીએ આકર્ષણ ઊભું કર્યું છે. બીજી તરફ કી-ચેઈન અને માસ્કમાં પણ રાજકીય ચિન્હ મૂકીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ઉમેદવારો જુદા જુદા દાવા કરીને મતદારોને આકર્ષી રહ્યા છે.