પાકિસ્તાનમાં હિંસા પર રોક લગાવવા માટે ઈમરાન સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફેસબુક, યુટ્યૂબ, વોટ્સએપ અને ટેલિગ્રામ પર સવારે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી રોક લગાવી દીધી છે. ગૃહમંત્રાલયે કહ્યુ હતું કે, તેમના આદેશ મુજબ પાકિસ્તાન દૂરસંચાર વિભાગે આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યા છે. ગૃહમંત્રાલયે દૂરસંચાર વિભાગને તાત્કાલિક આ પ્રતિબંધો લગાવાનો આદેશ આપ્યો છે.
ગૃહમંત્રાલયે પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટી (PTA) ને આજે એટલે કે શુક્રવારે આદેશ આપ્યો છે કે ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યુબ અને ટેલિગ્રામને અસ્થાયીરૂપે અવરોધિત કરી દેવામાં આવે.
નોંધપાત્ર વાત એ છે કે આ સોશિયલ મીડિયા વેબસાઇટ અને એપ્સને સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી બ્લોક રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જોકે તેની પાછળનું કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવ્યું કે કેમ તેને કેમ અવરોધિત કરવામાં આવી રહ્યા છે.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પીટીએના એક અધિકારીએ નામ ન જણાવાની શરતે કહ્યુ હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હંગામી ધોરણ પ્રતિબંધ લગાવ્યો છે. હકીકતમાં જોઈએ તો, કટ્ટરપંથી ધાર્મિક સંગઠન તહરીકે લબ્બૈક પાકિસ્તાન ફ્રાંન્સના રાજદૂતને હટાવવા માટે છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનની આગેવાની કરી રહેલા ટીએલપીના મુખ્યા સાદ રિઝવીને પોલીસ અગાઉથી ધરપકડ કરી ચુકી છે. રિઝવીને છોડી મુકવાની વાતને લઈને લાહોર, કરાંચિ અને ઈસ્લામાબાદમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. પાકિસ્તાન સરકારે ગુરૂવારે ટીએલપી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
