દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. તેની વચ્ચે દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા ડોક્ટર મનમોહન સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્હી સહિત દેશભરમાં કોરોના વાઈરસના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે દિલ્હીમાં 25,462 લોકો સંક્રમિત થયા હતા અને 161 દર્દીઓના મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, ડો.મનમોહનસિંહે સૂચન કર્યુ હતુ કે, સરકારે દરેક રાજ્યોને પૂરા પાડેલા ડોઝના આંકડા જાહેર કરવા જોઈએ અને કેટલા ટકા વસતીને રસી મુકાઈ તેના પર ધ્યાન આપવુ જોઈએ. સરકારે રાજ્ય સરકારનો રસીકરણ માટે ફ્રન્ટ લાઈન વર્કર્સ ની કેટેગરી નક્કી કરાવની છુટ આપવી જોઈએ.
ડૉ. મનમોહનસિંહને દિલ્હીના એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાને પહેલા જ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. હાલમાં તેમની તબિયત સ્થિર છે. પૂર્વ વડાપ્રધાને 4 માર્ચે જ એઈમ્સમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમની સાથે તેમના પત્ની ગુરશરણ કૌર પણ એઈમ્સ પહોંચ્યા હતા. ગુરશરણ કૌરે પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને તેમની પત્નીએ ભારત બાયોટેક દ્વારા નિર્મિત વેક્સિનની કોવેક્સિનનો ડોઝ લીધો હતો
