આંતરરાષ્ટ્રીયસ્તરે જો ક્રુડના ભાવ ઘટે તો જ પેટ્રોલના ભાવ ઘટશે તેવુ નિવેદન કરીને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે સ્પષ્ટ સકેત આપી દીધો છે કે, ગુજરાતમાં ભડકે બળી રહેલા પેટ્રોલના ભાવમા ગુજરાતીઓને રાહત મળે તેવી કોઈ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં નહિ આવે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોચી રહ્યા છે. આ સજોગોમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ કોઈ રાહત નહી મળે તેવો સંકેત નાણાં વિભાગનો હવાલો ધરાવતા ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપ્યો છે. નિતીન પટેલે કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ ઉપર દેશભરમાં સૌથી ઓછો વેટ ગુજરાતમાં લેવાય છે. ગુજરાતના લોકો ઉપર કોઈ વધારાનો બોજો પડવા દીધો નથી. ભારતમાં ક્રુડ ઓઈલ મળવાની મર્યાદા છે. મોટાભાગે આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે. આંતરરાષ્ટ્રીયસ્તરે બેરલની કિંમત વધતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે. ભારત સરકારે એકસાઈઝ ઘટાડી છે. વડાપ્રધાને કહ્યુ છે કે, વિદેશી તેલની ઉપલબ્ધી પર નિર્ભર રહેવુ બરાબર નથી.