દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો માર પ્રજા સહન કરી રહી છે. એક તરફ રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ ચાલું છે ત્યાં આવા ભાવ વધારાથી રાજકીય માહોલ પર એની માઠી અસર પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ હવે LPG ગેસના બાટલાના ભાવમાં સીધો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં LPG ગેસના બાટલામાં રૂ.50નો વધારો કરવામાં આવ્યો છે.
એટલે કે, દિલ્હીની પ્રજાને 14.2 કિલો ગેસ માટે થોડા વધારે પૈસા ચૂકવવા પડશે. આ ભાવ વધારો તા.14 ફેબ્રુઆરી 2021થી લાગુ થઈ ચૂક્યો છે. દિલ્હીમાં LPG ગેસના બાટલાના નવો ભાવ રૂ.769 સામે આવ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ આ બીજી વખત ગેસના ભાવમાં મોટો વધારો કરાયો છે. દિલ્હીમાં અગાઉ LPG ગેસના બાટલાના ભાવ રૂ.719 હતો એ હવે વધીને રૂ.769 થઈ ગયો છે. જેના કારણે રાજધાનીમાં રહેતી પ્રજાના ખિસ્સાનું ભારણ એકાએક વધી ગયું છે. સબસીડી વગરના ગેસના બાટલાનો ભાવ પણ વધ્યા છે. રાંધણ ગેસના ભાવ વધતા અનેક ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ ઉપરાંત મધ્યમ તથા નોકરિયાત વર્ગને પણ મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ વર્ષના બજેટ બાદ સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી સામાન્ય પ્રજાને વાહન ચલાવવું મોંઘુ પડી રહ્યું છે. એવામાં હવે રાંધણ ગેસના ભાવમાં એકાએક વધારો થતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. આ જ રીતે ભાવ વધારો યથાવત રહ્યો તો મોંઘવારીનો માહોલ ફરી જોવા મળે એવા ચોક્કસ એંધાણ વર્તાય છે. આ પહેલા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, મને જણાવતા દુઃખ થાય છે કે, તેલ સંપન્ન દેશો તેલના ગ્રાહક દેશનું હિત ધ્યાને લેતા નથી. તેલ સંપન્ન દેશોએ એક આર્ટિફિશ્યલ પ્રાઈઝ મેકેનિઝમ બનાવ્યું છે.
જે તેલનો ઉપયોગકર્તા રાષ્ટ્રોને ખૂંચી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલનો વ્યાપાર કરતી સરકારી કંપનીઓએ સતત છઠ્ઠી વખત ભાવ વધારો કર્યો છે. જેના કારણે રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ રૂ.99 અને ડીઝલનો ભાવ રૂ.91 સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક માર્કેટમાં તેજીના માહોલ બાદ સ્થાનિક કંપનીઓએ રવિવારે પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો સીધો વધારો કરી દીધો હતો. આ ઉપરાંત એના પર રાજ્ય તરફથી લાગુ થતા જુદા જુદા ટેક્સ ઉમેરાતા કિંમત એકાએક વધી ગઈ હતી. જે અગાઉ ક્યારેય ન હતી. રાજસ્થાન રાજ્યમાં પેટ્રોલિયમ ઉત્પાદન પર વેટના દર સૌથી વધારે છે. જેના કારણે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ.99.29 અને ડીઝલ રૂ.91.17ની સપાટી સુધી પહોંચી ગયું છે. ગત મહિને રાજસ્થાન સરકારે વેટમાં રૂ.2નો સીધો ઘટાડો કર્યો છે. જે પેટ્રોલ અને ડીઝલ પર લાગુ છે.