કોર્પોરેશનની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ પ્રચાર અભિયાનમાં નવા નવા રંગો જોવા મળી રહ્યા છે. મતદાનનો દિવસ નજીક આવતા ભાન ભૂલી રહેલા નેતાઓ ક્યારેક ભાંગરો વાટી નાંખે છે. તો ક્યારેક મુખ્ય વ્યક્તિના કદ અને પદ બંન્નેને ભૂલી જાય છે. કોર્પોરેશનની ચૂંટણીને લઈને નેતાઓ જુદા જુદા શહેરમાં સભા ગજવી રહ્યા છે.
ભાવનગરમાં સભા બાદ જામનગરમાં યોજાયેલી સભામાં પ્રદેશ પ્રમુખને યોગ્ય પ્રાધાન્ય ન મળતા મોટી ફજેતી થઈ હતી. પ્રચાર માટે પહોંચેલા સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમે સ્થિતિને સંભાળી હતી. મંચ પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કરવાની જાહેરાત થઈ હતી. આ માટે કાર્યકર્તાઓ તથા ધારાસભ્યો વિજય રૂપાણી માટે મોટો હાર લઈને સ્ટેજ પર પહોંચ્યા હતા. સૌ પ્રથમ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિશાળ હાર પહેરાવતી વખતે સી.આર.પાટીલને કાર્યકર્તાઓએ ઢાંકી દીધા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીના સન્માન વખતે એમને સાઈડમાં રાખી દીધા હતા. કાર્યકર્તાઓ તથા ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોટા પડાવીને ચાલતી પકડી હતી. અચાનક ભરી સભામાં સી.આર.પાટીલ યાદ આવતા એક કાર્યકર્તા એમના માટે પાઘડી લઈને પહોંચી ગયો હતો. જોકે, ધારાસભ્યોને પોતાની ભૂલનું ભાન થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પહેરાવેલો હાર સી.આર. પાટીલને સાંકેતિક રીતે પહેરાવી દીધો. જોકે, આ સમગ્ર સ્થિતિને સાંસદ પૂનમ માડમે કંટ્રોલ કરવા માટે પ્રયત્નો કર્યા હતા. ખાસ કરીને ઘીના ઠામમાં ઘી ઠલવાય એવો પ્રયાસ કરવામાં આવ્યો.
જોકે, આ સમગ્ર ફજેતીને લઈને પાટીલના ચહેરા પર રોષના ભાવ જોવા મળ્યા હતા. પ્રચાર સભામાં સામાન્ય રીતે પહેલા મુખ્યમંત્રી અને પછી પ્રદેશ પ્રમુખનું સન્માન કરવામાં આવે છે. આ સભામાં સી.આર.પાટીલની સતત અવગણના થઈ છે. જે પાછળનું એક કારણ ચૂંટણીમાં જે રીતે પાટીલે વ્યૂહરચના અને પોલીસી ગોઠવી છે એના કારણે ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ તથા આગેવાનોમાં રોષની લાગણી હજું પણ યથાવત છે. આ પહેલા ભાવનગરમાં ભાજપની સભામાં જીતુભાઈ વાઘાણીએ ભાંગરો વાટ્યો હતો. પ્રદેશ પ્રમુખ પાટીલના બદલે ફળદુંને ગણાવી દીધા હતા. જોકે, જુદા જુદા પ્રદેશમાં સભા ગજવી રહેલા ભાજપના પદાધિકારીઓ ક્યારેક એવું બાફી મારે છે કે, સિનિયર નેતાઓને સ્થિતિ કંટ્રોલ કરવી પડે છે. તો ક્યારેક એવી ઘટના બને છે કે, સતત અવગણનાને કારણે પક્ષ પાછળ જવાબદાર વ્યક્તિના કદ અને પદને સીધી રીતે ઠેસ પહોંચે છે.