ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છ દિવસમાં કોરોનાને હરાવ્યો છે. એમનો RT-PCR ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ આજે એમના પત્ની સાથે મતદાન કરવા માટે સાંજે પાંચ વાગ્યે રાજકોટની સ્કૂલ નં.7 અનિલ જ્ઞાનમંદિરમાં મતદાન કરવા માટે આવ્યા હતા. વોર્ડ નં.10માં તેમણે મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ તેમણે એક ટૂંકી પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતેની ચૂંટણીમાં વિકાસ જ મુખ્ય મુદ્દો રહ્યો છે. કેન્દ્રની સરકારના નેતૃત્વમાં આ દેશનો વિકાસ થઈ રહ્યો છે. રાજ્ય સરકાર ગુજરાત રાજ્યનો વિકાસ કરી રહી છે. આ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો છે. કોરોના થતા તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે, હું પ્રજાની શુભકામનાથી ફરી સ્વસ્થ થઈ ગયો છું. રાજ્ય હોય કે દેશ ભાજપ થકી જ વિકાસ શકય છે. ભાજપ અને વિકાસ એકબીજાના પર્યાય છે. રાજ્યના લોકો વિકાસને ધ્યાને રાખીને મતદાન કરી રહ્યા છે. હું અપીલ કરૂ છું રાજ્યની પ્રજાને કે, વધુને વધુ લોકો આ ચૂંટણીમાં મતદાન કરે. મહાનગરપાલિકાનું પરિણામ કોઈએ કલ્પના ન કરી હોય એવું આવશે. એમાં પણ ભાજપ પક્ષ જીતશે. માત્ર મહાનગરપાલિકા જ નહીં જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. ભાજપ છે તો જ વિકાસ છે. હું ગુજરાતની પ્રજાનો આભારી છું. કોરોનામાં ગુજરાતનો રિકવરી રેટ પણ 97 ટકાથી વધારે થયો છે. રાજ્યમાં હવે તમામ દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.15 ફેબ્રુઆરીના રોજ કોરોનાગ્રસ્ત થયા હતા. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી. સારવાર બાદ તેઓ આજે વતનમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય એવી મારી પ્રાર્થના છે. રાજ્ય સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરી છે એવું હું કહેતો હતો. પણ હવે તો મેં આ અનુભવ કરી લીધો છે. ગામ હોય, શહેર હોય, તાલુકો હોય કે મહાનગર હોય ભારતીય જનતા પાર્ટી થકી જ વિકાસ શકય છે.