પશ્વિમ બંગાળના કૂચબિહાર માં હિંસાની વચ્ચે બૂથ નંબર 125 પર મતદાન રદ કરવામાં આવ્યું છે. સીતાલકુચીના આ બૂથ પર હિંસાના સમાચાર બાદ મતદાન રદ કરવામાં આવ્યું છે. આ ઘટનાક્રમને લઇને મમતા બેનર્જીએ કેંદ્ર પર કાવતરું રચવનો આરોપ લગાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી એ પણ સિલીગુડીની રેલીમાં કૂચબિહારની ઘટના પર ચિંતા વ્યક્ત કરતાં ચૂંટણી પંચને દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
કૂચ બિહારમાં ચાર મોત માટે અમિત શાહ જવાબદાર: મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૃહ પ્રધાન અમિત શાહ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે કૂચ બિહારની ઘટના માટે અમિત શાહ સંપૂર્ણ રીતે જવાબદાર છે અને તે પોતે કાવતરું કરનાર છે. હું કેન્દ્રીય દળોને દોષી ઠેરવશે નહીં કારણ કે તેઓ માત્ર ગૃહ પ્રધાનના આદેશ હેઠળ કાર્ય કરે છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે આ ઘટના પૂર્વનિર્ધારિત હતી. હું આ મામલે તપાસના આદેશ આપીશ.
સિલિગુડી ખાતેની રેલીમાં વડાપ્રધાન મોદીએ કૂચબિહારમાં થયેલી હિંસા મામલે મમતા બેનર્જી પર નિશાન સાઘ્યું હતું. તેમણે કૂચબિહાર ખાતે થયેલી હિંસાને દુખદ ગણાવી હતી. વડાપ્રધાને કહ્યું કે, ભાજપના પક્ષમાં જનસમર્થન જોઈને દીદી અને તેમના ગુંડાઓની બેચેની બેકાબૂ થઈ ગઈ છે. સાથે જે તેમણે આ પ્રકારની હિંસા દીદીને બચાવી નહીં શકે તેવો દાવો કર્યો હતો.
લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે, પોતાની ખુરશી હાથમાંથી છટકી રહી છે તેથી દીદી આ સ્તરે ઉતરી આવ્યા છે. બંગાળમાં દીદી અને ટીએમસીની મનમાની નહીં ચલાવી લેવામાં આવે. હું ચૂંટણી પંચને વિનંતી કરૂ છું કે, કૂચબિહાર ખાતે જે બન્યું તેના દોષિતો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે. વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જીને ઉદ્દેશીને કહ્યું કે, ‘દીદી, આ હિંસા, લોકોને સુરક્ષા દળો પર આક્રમણ કરવા ઉશ્કેરવાની રીતો, ચૂંટણી પ્રક્રિયામાં રોડા નાખવાની પદ્ધતિ તમને નહીં બચાવી શકે. આ હિંસા તમારા 10 વર્ષના કુકર્મો સામે તમારૂં રક્ષણ નહીં કરી શકે.’
