સુરત કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યારસુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો એ પણ સોંપવામાં આવી છે. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની રહેશે. સ્મશાનગૃહમાં આવતા મૃતદેહોની અંતિમક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે શિક્ષકો જવાબદારી આપી દેવામાં આવી છે.
તો બીજી તરફ સુરતમાં શિક્ષકોને સ્મશાનની કામગીરી સોંપાતા જામનગરમાં વિરોધ ઉઠ્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધ દર્શાવાયો છે. જામનગરમાં શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સ્મશાનમાં મૃતકોની સંખ્યા કરવાની કામગીરી શિક્ષકોને સોંપાતા નારાજગી જોવા મળી છે. ત્યારે ચંદ્રકાંત ખાખરીયા દ્વારા શિક્ષકોને સ્મશાનની કામગીરીમાંથી બાકાત કરવા માંગણી કરાઈ છે. તેમણે કહ્યું કે, કોરોના વોરિયર્સ તરીકે અન્ય કોઈપણ સેવા કરવા શિક્ષકો તૈયાર છે, પરંતુ આ જવાબદારી જોખમી છે.
