સોમવારે અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ આ જવાબદારી એનસીપી નેતા દિલીપ વલસે પાટિલને આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારના સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પાટિલને આ જવાબદારી મળવાનું લગભગ નિશ્ચિત છે, તેની ઘોષણા હજુ બાકી છે.
100 કરોડ રૂપિયાની વસૂલાત અંગે બોમ્બે હાઈકોર્ટ તરફથી સીબીઆઈ તપાસના આદેશ આપ્યા બાદ દેશમુખે રાજીનામું આપ્યું હતું. રાજ્ય વિધાનસભાના છ વખત સભ્ય રહી ચૂકેલા દિલીપ વાલ્સે પાટીલ હાલમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કેબિનેટમાં આબકારી અને શ્રમ વિભાગના મંત્રી પદ સંભાળી રહ્યા છે.
પરમબીરસિંહે સો કરોડની રિકવરીનો આરોપ લગાવ્યો છે
જણાવી દઈએ કે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સો કરોડ રૂપિયાની વસૂલાત માટે ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સોમવારે બોમ્બે હાઇકોર્ટે સિંહની અરજી પર અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ જારી કર્યા હતા.
આ અરજીની સુનાવણી કરતાં હાઇ કોર્ટે કહ્યું કે ગૃહ પ્રધાન ઉપર વસૂલાતનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે ખૂબ ગંભીર છે. કોર્ટે કહ્યું હતું કે તેની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ. હાઈકોર્ટે સીબીઆઈ ડાયરેક્ટરને 15 દિવસની અંદર તપાસ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
એન્ટિલિયા કેસમાં મુંબઇ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ પરમબીરસિંહની બદલી થઈ હતી. આ કેસમાં પૂર્વ કમિશનરે મુખ્યમંત્રી ઠાકરેને પત્ર લખ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનિલ દેશમુખે સચિન વાજેને 100 કરોડનું લક્ષ્યાંક આપ્યું હતું.
