રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ટાઢક વર્તાય છે અને બપોરે એસી. પંખા ચાલું કરવા પડે એવી ગરમી થઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જણાવે છે કે, માર્ચ મહિનાથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે. પણ આ વખતના ઉનાળામાં હવામાન વિપરીત રહેવાનું છે. ફેબ્રુઆરીના અંતમાં ઉત્તરના પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થવાના એંધાણ છે.
જેની સીધી અસર ગુજરાતમાં થવાની છે .એટલે કે ફરી એક રાઉન્ડ ઠંડા પવનોનો શરૂ થશે. લઘુત્તમ તાપમાન ઓછું થશે. રાત્રીના સમયે થોડી ઠંડીનો અહેસાસ થશે. જ્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, ભૂજ, ડીસા અને નલિયામાં તા.14 બાદ તાપમાનમાં એકાએક વધારો થશે. જોકે, રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સવારે ઠંડી અનુભવાય છે. જ્યારે બપોરના 11થી 4ની વચ્ચે રીતસરનો બફારો થાય છે. જેના કારણે એસી. અને પંખા ચાલું કરવા પડે છે. તા.15 માર્ચ બાદ રાજ્યના કેટલાક ભાગમાં તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી પહોંચે એવી પૂરી શક્યતાઓ છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનો ખૂબ ગરમ રહે છે. રીતસર અગનવર્ષા થઈ રહી હોય એવો માહોલ અમદાવાદમાં હોય છે. તાપમાનમાં વધારો થતા ગરમી વધે છે. પણ અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં દેશના કેટલાક ભાગમાં કરા પડવાની પૂરી શક્યતાઓ છે. જેની એક અસર ગુજરાતના હવામાન પર થશે. જોકે, સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જાણે ડીસેમ્બર મહિનાની સવાર હોય એવી ઠંડીનો ચમકારો અનુભવાય છે.
અખાતી દેશ બાજુથી પવનો ફૂંકાતા ગુજરાત, રાજસ્થાનને સીધી અસર થાય છે. અંબાલાલ પટેલ કહે છે કે, મે મહિનામાં તાપમાન 45 ડિગ્રી સુધી જશે. રાજ્યના કેટલાક ભાગમાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે. જ્યારે મે મહિનામાં પ્રિ મોનસુનની પ્રવૃતિઓ જોવા મળશે. એ અસર પરથી ચોમાસુ વરસાદ થશે. રાજ્યના અમદાવાદ, ડીસા, વડોદરા, દાહોદ, ઈડર, સુરત, ભાવનગર, ભૂજ, નલિયા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં આકરી ગરમી પડવાના એંધાણ છે. જ્યારે રાજસ્થાનના અનેક એવા ભાગમાં આગ ઝરતી ગરમી પડશે. જાણે ગરમ ભઠ્ઠામાં હોય એવો અહેસાસ થશે. આ અસરને કારણે ગુજરાતનું તાપમાન પણ વધશે. એપ્રિલ મહિનામાં ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ જોવા મળશે.