આજથી ગુજરાતના 29 શહેરોમાં દિવસે પણ કરફ્યૂ જેવી સ્થિતિ છે. કોરોનાને પગલે કથળતી સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે આજથી 8 દિવસ સુધી લાગુ કરાયા છે. આ અંતર્ગત ગુજરાતના 29 શહેરોમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ બાબતો બંધ રહેશે. જોકે, આજે સવારથી જ અનેક શહેરોમાં વેપારીઓ અસમંજસમાં જોવા મળ્યા હતા. શું ખુલ્લુ રાખવું અને શુ નહિ તેની પ્રોપર ગાઈડલાઈન ન હોવાથી તેઓ અસમંજસમા હતા કે શુ ખુલ્લુ રાખવુ અને શુ નહિ, ત્યારે આજે તે માહિતી જાણી લો.
સરકારે 29 શહેરોમાં નાઈટ કરફ્યૂ લગાવ્યો
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સરકારે ભલે લોકડાઉન નાંખવાની ના પાડી હોય પરંતુ ગુજરાતના કેટલાક શહેરો અને ગામડાઓએ સ્વયંભૂ રીતે બંધ પાડ્યા છે તો સરકારે 29 શહેરોમાં નાઈટ કરફ્યૂ લગાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુરમાં દિવસે બંધ અને રાત્રે કરફ્યૂ છે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ શહેરોમાં રાત્રી કરફ્યૂ અને દિવસે બંધ અમલી છે.
રાજકોટના વેપારીઓમાં આજે મિની લોકડાઉનની જાહેરાત વચ્ચે અસમંજસમાં જોવા મલ્યા હતા. આજે કઈ દુકાનો અને બજારો બંધ રાખવી કે નહિ તેને લઈને મૂંઝવણ જોવા મળી હતી. સરકારે આદેશ આપ્યા પણ તંત્રએ કોઈ જ માહિતી વેપારીઓ સુધી પહોંચાડી ન હતી. ધર્મેન્દ્ર રોડ, લખાજીરાજ રોડ બજાર, ગુંદાવાળી બજાર સહિતની બજારોમાં વેપારીઓ દુકાન ખોલવા પહોંચ્યા હતા.
