સુરતની હોસ્પિટલ માટે ભાજપ પ્રમુખ સી.આર પાટિલે ખરીદેલા 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. પાટિલે ખરીદેલા ઇન્જેક્શન મામલે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ કરવા અધિકારીઓને જણાવ્યું છે. આ ઉપરાંત રાજકીય પક્ષના કાર્યાલય તેમજ ખાનગી જગ્યાએ થતા ઇન્જેક્શનના વિતરણ બાબતે પણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર, પાટીલ દ્વારા ઉધના ભાજપ કાર્યાલય ખાતેથી 1000 જેટલાં ઈન્જેક્શનો દર્દીને આપવા માટેની જાહેરાત કરતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઈન્જેક્શન લેવા માટે ઊમટી પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું છે. એવામાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ શરૂ કરી દેવાયું છે. ઇન્જેક્શન મેળવવા માટે વહેલી સવારથી જ લોકો લાંબી કતારમાં જોવા મળ્યાં છે. ત્યારે આખરે સી.આર પાટીલ જોડે આ 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો આવ્યો ક્યાંથી તે જ એક મોટો પ્રશ્ન છે.
રાજ્યમાં એક બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કઇ રીતે કરી તે એક મોટો પ્રશ્નાર્થ છે. શું સી.આર પાટીલે બારોબાર વહીવટ કર્યો છે કે શું? શું હોસ્પિટલ અને મેડિકલની દુકાન સિવાય અન્ય કોઇ પણ રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી શકે? જેવાં અનેક પ્રશ્નો અહીં ઊભા થાય છે.
જો કે, આ મામલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન મામલે સીધો સવાલ સી.આરને પૂછો. સુરતમાં સરકાર જે ઇન્જેક્શન મોકલી રહી છે તેનું સી.આરના પાંચ હજાર ઇન્જેક્શન સાથે કોઇ જ કનેક્શન નથી. 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો.’
ભાજપ કાર્યાલય પરથી રેમડીસીવીર ઇન્જેક્શનના વેચાણ કરવા અંગે કોંગ્રેસે આક્ષેપ કર્યાં છે. કોંગ્રેસ પ્રવકત્તા મનિષ દોશીએ સરકાર અને ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે, ભાજપે રસીકરણનું રાજકીયકરણ કર્યું. રેમડેસિવિરના બેફામ કાળાબજાર સામે વ્યવસ્થા ના કરી. કેન્દ્રની ટીમે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં કાળા બજાર થઈ રહ્યા છે. ઝાયડ્સ હોસ્પિટલથી 800 માં ઈન્જેક્શનની વ્યવસ્થામાં મદદ કરવાની જરૂર હતી. સરકારે ઇન્જેક્શનની વ્યવસ્થાને તોડવાનું કામ કર્યું છે. પોતાના માળતીયા ઓને કાળા બજારી કરવાની છૂટ આપવામાં આવી છે. સુરત ભાજપ ફાર્માસીસ્ટ તરીકે ઇન્જેક્શન વેચાણની પરવાનગી કોને આપી ? હોસ્પિટલની જગ્યાએ પાર્ટી કાર્યાલયથી વ્યવસ્થા ના થવી જોઈએ. ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની જો તમે હોસ્પિટલમાં ઇન્જેક્શનની વ્યવસ્થા ના કરી શકતા હોવ તો રાજીનામુ આપો. ઇન્જેક્શનના નામે ભાજપ ખોટા નાટક બંધ કરે.
