તાજેતરમાં ખંભાળીયા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કરેલા એક ભાષણમાં લવ જેહાદને પ્રોત્સાહન આપતી એક વાત કરવામાં આવી હતી. જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર બ્રાંચ તરફથી લાલ બંગલા સર્કલ ખાતે ધારાસભ્યને બુદ્ધિ આપવા એક હવન કરવામાં આવ્યો હતો. આ સદબુદ્ધિ હવનમાં વિદ્યાર્થી પરિષદ જામનગરના કાર્યકર્તાઓએ મંત્રોચ્ચાર કરી ભગવાનને પ્રાર્થના કરી હતી. એવું પણ કહ્યું હતું કે, ઘારાસભ્યને પ્રભુ બુદ્ધિ આપે અને વાસ્તવિકતાથી પરીચીત થઈ આવા ભાષણ ન આપે.
આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર બ્રાંચના મીડિયા સંયોજક સમર્થ ભટ્ટ, આશિષ પાટીદાર, જિલ્લા સંયોજક કુશલ બોસ્મિયા તથા મંત્રી સંજીત નાખવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હકીકત એવી હતી કે, પ્રચાર હેતું નીકળેલા કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે એવું કહ્યું હતું કે, લવજેહાન શેના માટે અને શું કામ? કરીના કપૂરે સૈફઅલી ખાન સાથે લગ્ન કર્યા છે. કોઈ એને રોકવા જાવ ને. ગરીબનો દીકરો પ્રેમ લગ્ન કરે તો વાંધો ઊઠાવવાનો? નાગરા ગામે સરપંચ મુસ્લિમ છે એના પુત્ર સાથે એક હિન્દુ દીકરીએ લગ્ન કર્યા છે. શું હિન્દુ દીકરી મુસ્લિમ સાથે લગ્ન ન કરી શકે? દીકરીને ધરાર ઊઠાવી ગયો હોય તો કહીએ. છોકરીને ક્યાં લગ્ન કરવા એ એ દીકરી નક્કી કરે. આપણે નક્કી કરવા વાળા કોન? મૂળ આ વાતને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સદબુદ્ધિ હવન કર્યો હતો. જોકે, આ મુદ્દે વિક્રમ માડમે ખાસ કોઈ નિવેદન આપ્યું નથી. જોકે, આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે.