લોકડાઉનને લઈને CM રૂપાણીએ કરી સ્પષ્ટતા, દિવસનો કર્ફ્યૂ નહીં લાગે
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ લોકડાઉન અને કરફ્યૂની અફવાઓએ વેગ પકડ્યો છે. ત્યારે આ અફવાઓનું ખંડન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સીએમ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ફક્ત ગુજરાતમાં જ સંક્રમણ નથી વધ્યું. છેલ્લા ઘણા દિવસોથી અન્ય રાજ્યોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. તેમણે સ્વીકાર્યુ કે માર્ચ મહિનાથી સંક્રમણ વધ્યું છે. પરંતુ તેમણે તેમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર-પંજાબમાં ચૂંટણી નથી છતાં ત્યાં પણ સંક્રમણ વધ્યું છે.તેમને અફવાઓ વિશે કહ્યું કે, માત્ર ગુજરાતમાં જ સંક્રમણ વધ્યુ છે તેવુ નથી, અનેક રાજ્યોમાં ગુજરાત કરતા વધુ કેસ છે. ગુજરાતમાં સારી રીતે ચૂંટણી પાર પાડી. ગુજરાતમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેસ ઓછા હતા. તે સમયે આખા દેશમાં કેસ ઓછા હતા.
સંક્રમણ વધતાં લોકોમાં લોકડાઉનનો ભય છે. તે અંગે સ્પષ્ટતા કરતાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં લોકડાઉન થવાનો નથી. આ ઉપરાંત દિવસનો કર્ફ્યૂ પણ નહીં લાગે.લોકોએ પેનીક થવાની જરૂર નથી. ગુજરાતમાં કોઈ લોકડાઉન નથી થવાનું. દિવસે કોઈ લોકડાઉન નહીં થાય. ગુજરાતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ભારતમાં કેસ વધી રહ્યા છે. જ્યાં ચૂંટણી નહતી ત્યાં પણ કોરોનાના કેસ વધ્યા છે. કોરોનાથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન અને વેક્સિન બે જ રસ્તા છે. લોકો આગળ આવીને વેક્સિનેશન લે તો સારૂ છે. બજેટ સત્ર ચાલુ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બજેટ સત્ર તો ચાલુ જ રહેશે.
તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ 60 હજાર બેડ તૈયાર રાખ્યા હતા. હાલ જેટલા કેસ આવે તેના પાંચ ગણા બેડનો આદેશ આપ્યો છે. તે મુજબ સરકાર રોજ રિવ્યૂ કરે છે. મહારાષ્ટ્રમાઁથી આવતા લોકોનું ગુજરાત બહારથી આવતા લોકોનું સ્કેનિંગ કરી રહ્યાં છે. અવનજવન ચાલુ છે ત્યારે સાવચેતી પણ લીધી છે. ભાજપે પણ બધા કાર્યક્રમો સ્થગિત કર્યાં છે. સરકારે પણ કાર્યો મોકૂફ રાખ્યા છે. બજેટ સત્ર છે તેથી તેમાં સમયસર બજેટ પસાર કરવુ પડશે.
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 1400થી વધુ કેસ નોંધાયા
અહીં શુક્રવારે કોરોનાના 1,415 કેસ નોંધાયા હતા અને 948 દર્દી સાજા થયા હતા અને 4 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.83 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, જેમાંથી 2.73 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,437 દર્દી મૃત્યુ પામ્યા હતા, 6,147ની સારવાર ચાલી રહી છે.
અમદાવાદમાં 345 નવા કોરોનાના કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં 335-ગ્રામ્યમાં 9 સાથે 344 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 66 હજારને પાર થયો છે. વડોદરા શહેરમાં 127-ગ્રામ્યમાં 19 સાથે 146, રાજકોટ શહેરમાં 115-ગ્રામ્યમાં 17 સાથે 132 નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યના ચાર મહાનગરોમાં જ 1,072 નવા કેસ નોંધાયા છે.
