ઉત્તર પ્રદેશના પાંચ શહેરોમાં લોકડાઉન લગાવવાના અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવતા હવે યોગી સરકારને રાહત મળી છે. યુપીની યોગી આદિત્યનાથ સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અત્રે જણાવવાનું કે હાઈકોર્ટે લખનઉ, પ્રયાગરાજ, વારાણસી, કાનપુર અને ગોરખપુરમાં 19 એપ્રિલથી લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો હતો. આ બાજુ અન્ય એક મહત્વના સમાચાર એ પણ છે કે કોરોનાને કાબૂમાં કરવા માટે યોગી આદિત્યનાથ સરકારે આજે વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. આ અગાઉ સરકારે ફક્ત રવિવારે લોકડાઉન લગાવ્યું હતું. પરંતુ હવે તેમાં શનિવારને પણ સામેલ કરાયો છે. હવે સમગ્ર પ્રદેશમાં શનિવારે અને રવિવારે લોકડાઉન રહેશે.
ટીમ- 11 સાથે મંગળવારે થયેલી સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. સાથે જ તેમણે નાઇટ કર્ફ્યૂ સમગ્ર રાજ્યમાં લાગૂ કરવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વીકલી લોકડાઉનમાં વ્યસ્ત રહેતી તમામ જગ્યાઓ બંધ રહેશે. બંને દિવસે સેનિટાઇઝેશનનું કામ થશે
આ બાજુ આજે સુપ્રીમ કોર્ટમાં પણ હાઈકોર્ટે 5 શહેરો પર લાદેલા લોકડાઉન પર સુનાવણી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા અલાહાબાદ હાઈકોર્ટના સોમવારના આદેશ પર રોક લગાવી છે. આ સાથે જ કોર્ટે રાજ્ય સરકાર પાસે બે અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવાનું કહ્યું છે. કોર્ટે યુપી સરકારને કહ્યું કે સરકારને જ્યારે લોકડાઉનની જરૂર લાગશે તો સરકાર પોતે લગાવશે. કોર્ટનું કાર્યપાલિકાના પ્રયત્નોમાં હસ્તક્ષેપ કરવો એ સરકારના કામકાજ, આજીવિકાની સાથે અન્ય ચીજોમાં પણ મુશ્કેલીઓ ઊભી કરશે. હાલાત પર કાબૂ મેળવવા માટે સરકાર દરેક શક્ય કોશિશ કરી રહી છે.
અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવતા સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કહ્યું કે તમે હાઈકોર્ટના ઓબ્ઝર્વેશન પર ધ્યાન આપો. લોકડાઉનના ચુકાદા પર અમે રોક લગાવી રહ્યા છીએ. આ અગાઉ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુપી સરકાર તરફથી ચીફ જસ્ટિસની બેન્ચમાં મામલો રજુ કર્યો. તેમણે કહ્યું કે આ કાર્યપાલિકાના અધિકાર ક્ષેત્રમાં દખલ છે. કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સરકાર પહેલેથી પોતાની રીતે જરૂરી પગલા લઈ રહી છે. અત્રે જણાવવાનું કે અલાહાબાદ હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે પાંચ શહેરોમાં કોરોનાના હાલાત બેકાબૂ છે. અને લોકડાઉન લગાવવું જોઈએ.
