ઉત્તર પ્રદેશમાં હવે દર રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજ્યમાં કોરોનાના વધતા કેસોને જોતા રાજ્યની યોગી સરકારે કડક પગલા ભર્યા છે. રવિવારે લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યા બાદ માસ્કને લઈને પણ કડક નિયમો બનાવ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ મંડળ આયુક્તો, જિલ્લાધિકારીઓ,સીએમઓ અને ટીમ-11ના સભ્યો સાથે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લીધો. પ્રદેશના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રવિવારે સાપ્તાહિક બંધ રહેશે. પ્રદેશમાં તમામ લોકો માટે માસ્ક લગાવવું જરૂરી રહેશે. પહેલીવાર માસ્ક વગર પકડાશે તો 1000 રૂપિયાનો દંડ થશે અને બીજીવાર પકડાયા તો 10 ગણો દંડ થઈ શકે છે.
યુપી સરકારે દર રવિવારે રાજ્યને સમગ્રપણે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેને સાપ્તાહિક બંધ એવુ નામ આપવામાં આવ્યુ છે. તેમાં જરૂરી વસ્તુ સિવાય બધુ બંધ રહેશે.હજૂ ગુરૂવારે જ રાજ્યમાં જાહેરાત થઈ હતી કે, રાજ્યમાં તમામ સ્કૂલો 15 મે સુધી બંધ રહેશે.
આ બાજુ કોવિડ-19ના વધતાકેસને પગલે વારાણસી જિલ્લા પ્રશાસને શનિવાર અને રવિવારમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. બંને દિવસે બનારસ સંપૂર્ણ રીતે બંધ રહેશે. ફક્ત દૂધ, બ્રેડ, ફળો અને શાકભાજીની દુકાનો જ સવારે 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી રહેશે. દારૂની દુકાનો પણ બે દિવસ બંધ રહેશે. ધાર્મિક સ્થળો ઉપર પણ પ્રતિબંધ લાગુ રહેશે.
