સાસણગીરના જંગલમાં શુટ થશે MAN VS WILD, આ કલાકાર જોવા મળે એવા એંધાણ
ડિસ્કવરી ચેનલના જાણીતા શૉ ‘MAN VS WILD’ ના હોસ્ટ બેયર ગ્રીલ્સ ફરી એક વખત ભારતનો પ્રવાસ કરશે. આ વખતે તે ફરી એકવખત ભારતના જંગલમાં ટ્રેકિંગ કરતા જોવા મળશે. પણ આ વખતે એમનું લોકેશન એશિયાટિક સિંહની ઓળખ અને નિવાસસ્થાન સમુ ગુજરાતનું ગીરનું જંગલ હોઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, ગ્રીલ્સના આ શૉમાં એની સાથે મહાનાયક અમિતાભ બચ્ચન આવી શકે છે.
ગુજરાત રાજ્ય સરકારના એક અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર ગીરમાં શુટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માગવામાં આવી છે. જે મંજૂરીની અરજી ગુજરાત રાજ્ય સરકાર સુધી પહોંચી છે. ગ્રીલ્સ આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સાથે સફારીની મોજ માણી ચૂક્યા છે. ગ્રીલ્સે વડાપ્રધાન મોદી સાથે ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં શુટિંગ કર્યું હતું. જેનું પ્રસારણ ઓગસ્ટ 2019માં થયું હતું. જેને રેકોર્ડ સ્તર પર TRP મળી હતી. ત્યાર બાદ ‘ઈન ટુ ધ વાઈલ્ડ’ સીરિઝ અંતર્ગત ગ્રીલ્સે સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સાથે કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્કમાં શુટિંગ કર્યું હતું. રજનીકાંત સાથેનો ગ્રીલ્સનો એપિસોડ તા.23 માર્ચ 2020ના રોજ અને અક્ષય કુમાર સાથેનો એપિસોડ તા. 11 સપ્ટેમ્બર 2020ના રોડ બ્રોડકાસ્ટ થયો હતો. ભારતમાં ગ્રીલ્સે અત્યાર સુધીમાં ટાઈગર રીઝર્વમાં 3 એપિસોડ શૂટ કરેલા છે. ગ્રીલ્સની ઈચ્છા છે કે, હવે ચોથો એપિસોડ ભારતમાંથી શૂટ થાય. જે એશિયાટિક લાયનના ઓળખસમા સ્થળ ગુજરાતના ગીર જંગલમાંથી થાય. ગ્રીલ્સ એના આ એપિસોડમાં અમિતાભ બચ્ચનને મહેમાન બનાવવા માગે છે. ગ્રીલ્સે ભારતમાં કરેલા ત્રણ એપિસોડને માત્ર ભારત જ નહીં વિદેશમાંથી પણ સારી એવી TRP મળી છે.
રાજ્ય સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાતના વન વિભાગની અંતિમ મંજૂરી મળ્યા બાદ માર્ચ મહિનામાં શુટિંગ શરૂ થાય એવી શક્યતા છે. ગ્રીલ્સની ટીમે શુટિંગ માટેના લોકેશનની તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. અમિતાભને કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે ગ્રીલ્સની ટીમ 45 મિનિટનું શુટિંગ દોઢ જ દિવસમાં ખતમ થઈ જાય એ માટેનું ખાસ હોમવર્ક કરી રહી છે.