રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં સરકાર દ્રારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે . તેવામાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ કફોડી બની છે. આ રાજ્યમાં દિવસે ને દિવસે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે . ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જેમાં કોઈ પણ કર્મચારીની વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસમાં વધારો થશે, બાદમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. વિધાનસભા અને સીએમ કાર્યાલયમાં અધિકારીઓ અને ધારાસભ્યો કોરોના પોઝિટીવ આવ્યાં છે. ત્યારે વિધાનસભાનું સત્ર ટૂંકાવાશે કે નહીં તે અંગે રૂપાણીએ કહ્યું હતું કે વિધાનસભાનું સત્ર ટૂંકાવાશે નહીં, 8 જેટલા વિધેયક પસાર કરીને નિયત કરેલા સમયે સત્ર પૂર્ણ થશે.
સુરતમાં કોરોના વાઈરસના સતત વધતા કેસ વચ્ચે રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં એક દિવસમાં 61 કેસ આવતા મનપા તંત્ર એલર્ટ બની છે. આ ઉપરાંત રિંગ રોડની માર્કેટના લીધે ઉધના, લીંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં પણ કેસમાં વધારો થયો છે. સુરતના કુલ કેસની સંખ્યામાં 20 ટકા કેસો રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટના હોવાથી રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. જેના લીધે ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી.
રાજ્ય સરકારના દ્વારા મોકલવામાં આવેલ બે ડેપ્યુટી કમિશનર સહિત ચાર અધિકારીઓને કોરોના કાબૂ કરવા કામગીરી સોંપાઈ છે. એચ. આર. કલેયાને નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર, સમરસ હોસ્ટેલ સહિત તમામ ઝોનમાં વેકસીનેશન પ્રોગ્રામના સંકલનની કામગીરી સોંપાઈ છે. અધિક કલેકટર યોગેન્દ્ર દેસાઈને સેન્ટ્રલ ઝોનમાં કોરોના નાથવાની કામગીરી સોંપી છે. સ્ટેમ્પ ડ્યુટીમાં ડેપ્યુટી કલેકટર યુ.એન.જાડેજાને વરાછા ઝોનમાં કોરોના નાથવા કામગીરી સોંપાઈ છે. તો ડેપ્યુટી કલેકટર મિતેષ પટેલને ઉધના ઝોનમાં કોરોના સંક્રમણને નાથવાની કામગીરી અપાઈ છે.
રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે. આ સંદર્ભમાં કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું રસીકરણ કરવામાં આવશે.
