ગુજરાતમાં વણસી રહેલી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે સીએમ વિજય રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8ના સરકારી દવાખાનામાં કોરોના વેક્સીન લેવા પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે આ પહેલા તેઓ કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે અને તેમણે હવે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.જણાવી દઇએ કે સીએમ રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ અગાઉ કોરોના વેક્સિન લઇ ચુક્યા છે. કોરોના સંક્રમિત થયાના એક મહિના બાદ મુખ્યમંત્રીએ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો છે.
વેક્સીન લીધા બાદ તેમણે મીડિયા સંબોધનમાં કહ્યુ હતુ કે, અત્યારે મેં વેક્સીન લીધી છે. જનતાને અપીલ કરું છું કે, 45 વર્ષની ઉપરના લોકો ઝડપથી વેક્સીન લઈ લે અને બંન્ને ડોઝ પૂરા કરે. મને આજથી 60 દિવસ પહેલા કોરોના થયો હતો એટલે લોકોને પણ અપીલ કરું છું કે, કોરોના થઈ ગયેલા લોકો પણ લઈ લે. કોરોના થઈ ગયો હોય તો પણ ડોક્ટરની સલાહ મુજબ 45 કે 50 દિવસ પછી અવશ્ય વેક્સીન લગાવી લો. બીજું સંક્રમણ જે રીતે વ્યાપક બન્યુ છે, તેમાં જેઓએ વેક્સીન લગાવી લો તો બહુ તકલીફ પડી નથી. ભારત સરકાર દ્વારા 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીન આપવાની જાહેરાત કરી છે. તેથી ગુજરાતે પણ આ માટે તૈયારી કરી લીધી છે. મોટાપાયે વેક્સીનેશનથી કોરોના સંક્રમણમાંથી આપણે બચી શકીશું.
ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 12,206 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં25 અમદાવાદમાં 23 સહિત કુલ121 ના મૃત્યુ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક હવે 76,500 છે જ્યારે 353 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાના કુલ કેસનો આંક હવે 4,28,178 છે જ્યારે કુલ મરણાંક 5,615 છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે 509 નવા કેસ નોંધાઇ રહ્યા છે જ્યારે બેથી વધુ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવે છે. બરાબર એક સપ્તાહ અગાઉ 14 માર્ચના રાજ્યમાં 7410 કેસ નોંધાયા હતા. આમ, એક સપ્તાહમાં દૈનિક કેસમાં 65%નો વધારો થયો છે.
