સુરતના લાલ દરવાજાની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ બાદ શિફ્ટ કરાયેલા દર્દીઓમાંથી ચાર દર્દીના મોત થયા છે. વીતી રાતે આયુષ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમા આગ લાગી હતી. આગ લાગતા જ ૧૭ જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં શિફટ કરાયા હતા. જેમાં ચાર દર્દીના મોત થઇ ચૂક્યા છે. ડોક્ટર હાઉસમાં આવેલી આયુષ હોસ્પિટલમાં એસી માં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
ફાયર વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરતાં જાનહાનિ ટળી છે. ફાયર વિભાગની ટીમ સાથે હોસ્પિટલના સ્ટાફે પણ કામગીરીમાં સાથ આપ્યો હતો. ભારે જહેમત બાદ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સહયારી મહેનતના કારણે માત્ર 30 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
સુરતની ખાનગી કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે મોટી કરુણાંતિકા બનતા રહી ગઈ છે.મોડી રાત્રે આઇસીયું વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ ટાળવે ચોંટી ગયા હતા.ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી ફાયરની ટીમ અને હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક હોસ્પિટલમાંથી દાખલ કોવિડના દર્દીઓને નવી સીવિલ,સ્મીમેર અને અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે રીફર કરવાની ફરજ પડી હતી.જ્યાં ચાર દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેમના મોત નિપજ્યા હતાં. ઘટનાના પગલે પાલિકા કમિશ્નર, સુરત મેયર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પોહચી ગયા હતા અને રીફર કરાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પ્રાથમિકતા આપવામાં આવી હતી.
