સુરતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ આ ઘાતક મહામારીએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો છે. ઘાતક કોરોનાથી મોતને ભેટલા આ બાળકમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. આ સિવાય 10 વર્ષનું અન્ય બાળક પર ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યુ છે. બીજી તરફ વ્હાલસોયા પુત્રને ગુમાવનાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત નિપજતા તંત્રમાં પણ મચ્યો છે હડકંપ.
મોટાવરાછા ખાતે ડી-માર્ટ પાસે આવેલી ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાનાં જે સામાન્ય લક્ષણો છે એવાં કોઈ નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો, જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
ધ્રુવના શરીરમાં લાંબા સમયથી પ્રોટીન ડેવલપ ન થાય એવી સમસ્યા હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. રવિવારે સાંજે 7 વાગ્યે તેને સાચી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યો હતો. તેનો ઇલાજ તરત જ ચાલુ કરવામાં આવ્યો હતો અને પછી તબીબે કહ્યું, ધ્રુવની મમ્મીને પણ બોલાવી લો. હું પરત મોટાવરાછા ગયો અને પછી રાત્રે હોસ્પિટલે આવ્યો તો તબીબે કહી દીધું કે હી ઇઝ નો મોર. – ભાવેશ કોરાટ, મૃતક ધ્રુવના પિતા
સુરતમાં હાલ એક 10 વર્ષનો બાળક પણ સારવાર હેઠળ છે. તો બીજી તરફ, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં 1885 બેડ ફૂલ થઈ ગઈ છે. માત્ર 200 બેડ ખાલી ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. બેડ વધારવા એડીચોટીનું જોર લગાવાયું છે. જોકે, તબિયત સ્થિર હોય તેવા દર્દીઓને સમરસ હોસ્પિટલમાં ખસેડાશે.
સુરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યુ છે. સોમવારે સાતના મોત સાથે સિટીમાં નવા 603 અને જીલ્લામાં 185 મળી કોરોનાનાં નવા 788 રેકોર્ડબ્રેક દર્દી નોંધાયા છે. જ્યારે શહેરમાંથી વધુ 540 અને ગ્રામ્યમાંથી 150 મળી કુલ 690 દર્દીને રજા અપાઇ હતી.
