ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે દરરોજ કથળી રહેલી પરિસ્થિતિના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાની પરિસ્થિતિ અંગે વધુ સુઓમોટો દાખલ કર્યો હતો. હાઈકોર્ટે રૂપાણી સરકારને આડેહાથે લીધી હતી. આ ઉપરાંત મહત્વના આદેશ પણ હાઈકોર્ટે આપ્યા છે. લગ્ન અને અંતિમ વિધિ સિવાય તમામ મેળાવડા પર રોક લગાવવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે કોઇની નોકરી પર જોખમ ન આવે તે રીતે નિર્ણય લો. તમામ પ્રકારના જાહેર મેળાવડા બંધ કરવામાં આવે. ઑફિસ સ્ટાફ ઘટાડવાનું પણ હાઇકોર્ટનું સૂચન છે.
રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેક્શનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણી છે. ત્યારે આજે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં ચીફ જસ્ટિસે કોરોના કાળમાં મીડિયા દ્વારા કરાયેલી કામગીરીને વખાણી હતી. સાથે જ ગુજરાત સરકારની અનેક મુદ્દે ઝાટકણી કાઢી છે. કોર્ટે અનેક બાબતોની નોંધ લઈને ગુજરાત સરકારે પોતાની ભૂલો બતાવી છે.
હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી કે, આ લડાઈ સરકાર અને કોરોના વચ્ચેની લડાઈ નથી, પણ લોકો અને કોરોના વચ્ચેની લડાઈ બની ગઈ છે. રેમડેસિવિર ઈન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. પરંતુ હોમ આઈસોલેટ થયેલા દર્દીઓ પણ રેમડેસિવિરનો આગ્રહ રાખે છે. લોકોને વિનંતી કરુ છું કે રેમડેસિવિર ઇન્જેકશન માટે ભીડ ન કરો.
ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી. તો ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેન્ચે સુનાવણી હાથ ધરી છે. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઑનલાઇન જોડાયા છે.
ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મહત્વની ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, કોરોનાની સ્થિતિને હળવાશથી લેવાની જરૂર નથી. ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું કે કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સરકાર દ્વારા કહેવામાં આવે છે તેના કરતાં સ્થિતિ વધુ ગંભીર છે. વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થાય છે. રસીની વધુ અસર નથી. આ સાથે જ હાઇકોર્ટે ટેસ્ટિંગની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે.
