વડોદરામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાની તૈયારીમાં હતા ત્યાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મોટું ધીંગાણું થયું છે. વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેલી નીકળી હતી. જેમાં વૉર્ડ નં.16માં કોંગ્રેસ અને ભાજપની રેલી સામસામે આવી જતા ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારના દીકરા પર હુમલો કરતા મામલો બગડ્યો હતો. બંને પક્ષોના કાર્યકર્તાઓ છૂટા હાથની મારામારી પર ઊતરી આવ્યા હતા. સામસામે પથ્થરમારો થયો હતો અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો.
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી પ્રચારના પડઘમ શુક્રવારે સાંજે 5 વાગ્યે શાંત થવાના હતા. એ પહેલા ભાજપ-કોંગ્રેસ તરફથી જુદા જુદા વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી. જેના કારણે અનેક જગ્યાએ ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વૉર્ડ નં.16માં કોંગ્રેસ ભાજપના ઉમેદવારોએ પ્રચાર રેલી કાઢી હતી. જે વાઘોડિયા-ડભોઈ રોડ પર સામસામે આવી જતા કાર્યકર્તાઓ બાખડી પડ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસી ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના દીકરા વિશાલ પર હુમલો કર્યો હતો. પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સામસામે પથ્થરમારો અને લાઠી યુદ્ઘ શરૂ થઈ ગયું હતું. તો ક્યાંય મારામારીને દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આ માથાકુટ વચ્ચે પોલીસે બંનેને છૂટા પાડવા માટે પ્રયત્નો કર્યા હતા. પણ ઝુનેને ભરાયેલા કાર્યકર્તાઓ પોલીસને પણ ગાંઠતા ન હતા. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે છેલ્લા થોડા સમય માટે મામલો હિંસારૂપી બની ગયો હતો. વૉર્ડ નં.16 પાસે થયેલી આ બબાલમાં કોંગ્રેસના કાર્યકર્તાની ગાડીનો કાચ તૂટી ગયો હતો. પથ્થરમારા અને લાઠી યુદ્ધમાં વાહનોને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પણ થોડા સમય માટે જોવાજેવી માથાકુટ થઈ હતી. કાર્યકર્તાઓએ સામસામે દંડાવાળી પણ કરી હતી. સોમા તળાવ ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી. આ અથડામણમાં ત્રણથી ચાર કાર્યકર્તાઓને ઈજા થઈ હોવાના રીપોર્ટ મળ્યા છે. જોકે, બંને પક્ષોએ સામસામે ગુંડાગીરીનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપે કહ્યું કે, કોંગ્રેસે મહિલાઓની છેડતી કરી ગુંડાગીરી કરી. ત્યારે કોંગ્રેસે કહ્યું કે, આવા નેતાઓ ચૂંટણી જીતીને પાંચ વર્ષ પ્રજાની સેવા કરશે? શરમજનક કહેવાય.
પ્રચારના છેલ્લા દિવસે ભાજપના સ્ટાર પ્રચારકોએ વડોદરા શહેરમાં ધામા નાંખ્યા હતા. 76 બેઠકો પર વિજયવાવટા લહેરાવવા 19 વોર્ડમાં બાઈક રેલી યોજવામાં આવી હતી.છેલ્લા દિવસે છેલ્લી ક્ષણોમાં પક્ષને વિજય બનાવવા માટે બંને પક્ષના કાર્યકર્તાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પ્રચારના અંતિમ દિવસે વડોદરા શહેર રાજકીય રંગમાં રંગાઈ ગયું હતું. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વહેલી સવારે 8થી 12 વાગ્યા સુધી સ્કૂટર રેલીનું આયોજન હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્લેકાર્ડ, પોસ્ટર બેનર સાથે પ્રચાર કરીને છેલ્લી ક્ષણોમાં મતદાતાઓને રીઝવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સ્થાનિક મુદ્દાઓને બાજુએ મૂકીને રામ મંદિર, 370 તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા. જ્યારે કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને મોંઘવારીને મુદ્દો ગણાવીને પ્રચાર કર્યો હતો.