શનિવારે નક્સલવાદીઓ સાથે અથડામણ થયા બાદ ગુમ થયેલા કોબ્રા કમાન્ડર રાકેશ્વર સિંહનો પહેલો ફોટો સામે આવ્યો છે. નકસલવાદીઓએ આ તસવીર જાતે બીજપુરના પત્રકાર ગણેશ મિશ્રાને મોકલી છે. નક્સલવાદીઓએ પત્રકારને ફોન કરીને કમાન્ડોની સલામતી સાથે તેમણે છોડવાની શરતો અંગે જણાવ્યું હતું.
એક ખાનગી સમાચાર સંસ્થા સાથે ઓનલાઈન વાતચીતમાં ખુદ પત્રકાર ગણેશ મિશ્રાએ તેની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે બુધવારે સવારે તેમને નક્સલવાદીઓનો ફોન આવ્યો હતો. નકસલવાદીઓએ તેમને કહ્યું કે રાકેશ્વરસિંહ તેમના કબજામાં સલામત છે. નક્સલવાદીઓએ પુરાવા માટે તેમને રાકેશ્વરસિંહની તસવીર પણ મોકલી હતી જેમાં તેઓ તેમના છાવણીમાં બેઠા જોવા મળે છે.
ગુમ થયા પછી રાકેશ્વરસિંહનો આ પહેલો ફોટો છે. નક્સલવાદીઓએ ગણેશ મિશ્રાને કહ્યું હતું કે સરકાર મધ્યસ્થીઓને તેમની સાથે વાટાઘાટ કરવા મોકલે છે, તો જ કમાન્ડોને મુક્ત કરવામાં આવશે.
શનિવારે 3 એપ્રિલના રોજ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 22 જવાનો શહીદ થયા. જ્યારે 31 જવાનો ઘાયલ થયા છે. આ સાથે જ એક જવાન રાકેશ્વર સિંહ મન્હાસ ગૂમ થયા હતા.
રાકેશ્વરસિંહ મન્હાસ વર્ષ 2011માં સીઆરપીએફમાં જોડાયા હતા. ત્રણ મહિના પહેલા જ છત્તીસગઢમાં તેમનું પોસ્ટિંગ થયું હતું. 7 વર્ષ પહેલા રાકેશ્વર સિંહના લગ્ન થયા હતા અને 5 વર્ષની એક છોકરી છે. માતા કુંતીદેવી અને પત્ની મીનુએ કેન્દ્ર અને રાજ્ય સરકારને રાકેશ્વરને નક્સલીઓના કબજામાંથી છોડાવવાની માગણી કરી છે. તેમના પિતા જગતાર સિંહ પણ સીઆરપીએફમાં હતા. તેમનું નિધન થયું છે. નાનો ભાઈ સુમિત પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરે છે. બહેન સરિતાના લગ્ન થઈ ગયા છે.
