દેશ માં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. મોહન ભાગવતને પણ કોરોના થઇ ગયો છે. મોહન ભાગવત કોરોનાથી સંક્રમિત થતાં તેમને સારવાર માટે નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરએસએસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપવામાં આવી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે, ડોક્ટર મોહન ભાગવતનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ડોક્ટર ભાગવતનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર ભાગવતના કોરોના ટેસ્ટનો રિપોર્ટ શુક્રવારે બપોરે પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડોક્ટર ભાગવતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનુસાર ડોક્ટર ભાગવત ને કોરોનાના સામાન્ય લક્ષણ છે. સંગઠનના અનુસાર ડોક્ટર ભાગવતને સામાન્ય તપાસ અને સાવધાનીના ભાગરૂપે નાગપુર હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટ્વીટ કરી સંઘ પ્રમુખ જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.
મોહન ભાગવતે માર્ચ 2021ની છ તારીખે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. મોહન ભાગવત તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. આ જ દિવસે કેન્દ્રીય પરિવહન પ્રધાન નિતીન ગડકરી અને તેમના પત્નિએ પણ નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટમાં કોરોનાની રસીકરણ અભિયાન અંતર્ગત રસીનો પહેલો ડોઝ લીધો હતો.
