
તારક મહેતા ફેમ નટુકાકા(ઘનશ્યામ નાયક)નું 77 વર્ષની વયે મુંબઇમાં પોતાના નિવાસસ્થાને નિધન થયું છે. તેમની કેન્સરની સારવાર માટે કીમોથેરાપી સેશન્સ શરુ કરાયા હતાં. અગાઉ કરયેલા ગળાના ઓપેરશનમાં 8 ગાંઠ નીકળી હતી. નટુકાકા મુશ્કેલ સમયમાં પણ સતત કામ કરી રહ્યાં હતાં. 77 વર્ષની ઉંમરે પણ લોકોને ખૂબ મનોરંજન પીરસ્યુ હતું. ઘનશ્યામ નાયક રંગમંચ,ભવાઇના પ્રસિદ્ધ કલાકાર પણ હતાં. નટુકાકા ઘરે ઘરે જાણિતા હતા. તેમના નિધન અંગે તારક મહેતાના ડાયરેક્ટર અસિત મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી
ઘનશ્યામ નાયક(નટુકાકા)નું નિધન થતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, ગુજરાતી રંગમંચથી શરૂ કરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકના નટુકાકાના હુલામણા નામથી વિખ્યાત શ્રી ઘનશ્યામભાઈ નાયકના આકસ્મિક અવસાનથી ગુજરાતી રંગમંચને મોટી ખોટ પડી છે. પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.